Vadodara Mandvi Darwaza Reconstruction: વડોદરાની ઐતિહાસિક ઓળખ અને ગૌરવ સમાન “માંડવી દરવાજા”ના રિસ્ટોરેશન અને રીનોવેશન કામગીરી હવે સત્તાવાર રીતે શરૂ થવાની તૈયારીમાં છે. વડોદરા મહાનગરપાલિકાએ આ ઐતિહાસિક ધરોહરને સરક્ષિત રાખવા માટે રિસ્ટોરેશનની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરી છે. શહેરના હૃદય સ્થાનમાં આવેલા માંડવી દરવાજાનું રૂ. 5 કરોડના ખર્ચે નવસર્જન કરવામાં આવશે.
અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ
વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, માંડવી દરવાજાના નવીનીકરણ માટે અગાઉ અંદાજિત રૂ. 4.20 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ટેકનિકલ અભ્યાસ અને કામગીરીની જટિલતા તેમજ 18 ટકા વધારાના ખર્ચને ધ્યાને લઈ હવે કુલ ખર્ચ અંદાજે રૂ. 4.96 કરોડથી વધુ થવાની શક્યતા છે. આ કામગીરી માટે ઇજારદારને કામ સોંપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.

જર્જરિત સ્થિતિ, કોલમ નબળો પડતા સ્લેબમાં તિરાડ પડી
માંડવી દરવાજાના રિસ્ટોરેશનની જરૂરિયાત પાછળ મુખ્ય કારણ તેની જર્જરિત સ્થિતિ છે. દરવાજાના કુલ 16 કોલમ પૈકી નૈઋત્ય દિશામાં ગેંડીગેટ અને ન્યાયમંદિર કોર્નર તરફ આવેલો એક કોલમ અત્યંત નુકસાનગ્રસ્ત બન્યો છે. આ કોલમ નબળો પડતા તેના પર આવેલા કમાન અને સ્લેબના ભાગમાં મોટી તિરાડો પડી છે, જે સમગ્ર માળખાની સલામતી માટે જોખમરૂપ બની હતી.
આ પણ વાંચો: Vadodara: વડોદરામાં ST, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ: 88 વાહન ડિટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ્યો
અગાઉ તાત્કાલિક સુરક્ષા માટે લીધા હતા પગલા
અગાઉ તાત્કાલિક સુરક્ષા પગલાં રૂપે પાલિકા દ્વારા એમ.એસ. સ્ટ્રક્ચરલ સેક્શનનો ઉપયોગ કરી નુકસાન પામેલા કોલમને ટેકો આપીને એનકેસિંગ અને કોન્ક્રીટ દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો હતો. જોકે, લાંબા ગાળાના સંરક્ષણ અને ઐતિહાસિક માળખાને મૂળ સ્વરૂપમાં જાળવી રાખવા માટે સંપૂર્ણ રિસ્ટોરેશન અનિવાર્ય બન્યું છે.

સુરતના મોદી અસોસિએટ પાસે ટેકનિકલ અભ્યાસ કરાવ્યો
આ જટિલ અને સંવેદનશીલ કામગીરી માટે સુરતની જાણીતી એજન્સી ‘મોદી અસોસિએટ’ પાસે ટેકનિકલ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન માંડવી દરવાજાના મૂળ બાંધકામમાં વપરાયેલા ઐતિહાસિક મટીરીયલ, બાંધકામની શૈલી અને હાલની નુકસાનની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિગતવાર અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.
મૂળ સ્થાપત્ય શૈલી જાળવી રાખવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે રિસ્ટોરેશનની સમગ્ર કામગીરી દરમિયાન ઐતિહાસિક મટીરીયલ અને મૂળ સ્થાપત્ય શૈલી જાળવી રાખવામાં આવશે. સંસ્કારી નગરી વડોદરાની શાન સમાન માંડવી દરવાજાનું આ નવસર્જન શહેરની ઐતિહાસિક ધરોહરને આવનારી પેઢી માટે સુરક્ષિત રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
