Vadodara: વડોદરામાં ST, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ: 88 વાહન ડિટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ્યો

વડોદરા ST ડેપોની આસપાસના વિસ્તારોમાં ‘નો-પાર્કિંગ ઝોન’ના ભંગ સામે પણ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 03 Jan 2026 09:15 AM (IST)Updated: Sat 03 Jan 2026 09:15 AM (IST)
vadodara-st-rto-and-police-traffic-drive-for-passenger-safety-and-traffic-rules-667143
HIGHLIGHTS
  • વડોદરામાં ST, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ  
  • કુલ 88 વાહન ડિટેઇન કર્યા, રૂ. 2.43 લાખ દંડ વસૂલ્યો
  • ST ડેપોની આસપાસના વિસ્તારોમાં વિશેષ કાર્યવાહી

Vadodara Traffic Drive: વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પેસેન્જર સલામતી અને ટ્રાફિક નિયમોના કડક પાલન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST) વડોદરા વિભાગ દ્વારા RTO અને પોલીસ સાથે મળીને સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 88 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ગુના હેઠળ વાહનચાલકો પાસેથી કુલ રૂ. 2.43 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

વડોદરામાં યોજાઈ ખાસ ટ્રાફિક ડ્રાઈવ

ST વડોદરા વિભાગ, વડોદરા RTO અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ‘CO ચેકીંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરમીટ ભંગ કરીને પેસેન્જરોનું ગેરકાયદે વહન કરનાર તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 

ST, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ

ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ST વડોદરા વિભાગ, વડોદરા RTO અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 55 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, અને 154 વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યો હતો. નિયમોના ભંગ બદલ રૂ. 1.87 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ST ડેપો પરિસર અને વિસ્તારમાં ખાસ કાર્યવાહી

આ ઉપરાંત, ST ડેપોની આસપાસના વિસ્તારોમાં ‘નો-પાર્કિંગ ઝોન’ના ભંગ સામે પણ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. નો-પાર્કિંગ ઝોનમાં વાહનો ઉભા રાખીને ટ્રાફિકમાં અવરોધ સર્જનારા સામે કાર્યવાહી કરતા કુલ 33 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 112 વાહનચાલકોને RTO અને પોલીસ દ્વારા મેમો આપી રૂ. 65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જનતામાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ 

ST તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેસેન્જરોની સલામતી, ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન અને નિયમોના કડક પાલન માટે આવી સંયુક્ત ચેકીંગ ડ્રાઇવ્સ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. તંત્રની આ કાર્યવાહીથી નિયમભંગ કરનારાઓમાં જાગૃતા ફેલાશે અને માર્ગ સુરક્ષામાં વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.