Vadodara: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે માલ પરિવહન ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા ડિવીઝનના મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના કુશળ નેતૃત્વ હેઠળ આ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2025 સુધી કુલ 10.38 મિલિયન ટન માલ લોડિંગ કરવામાં આવ્યું છે, જેના પરિણામે રૂ. 1288.70 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ વડોદરા મંડળના પરિચાલન વિભાગની કાર્યક્ષમતા અને આયોજનબદ્ધ કામગીરીને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના બાજવા સાઈડિંગ પર ખાતર લોડિંગમાં નવો માઈલસ્ટોન સર્જાયો છે. જાન્યુઆરી 2025માં 48 રેક લોડ કરવાની અગાઉની સિદ્ધિને પાર કરીને ડિસેમ્બર મહિનામાં 50 રેક લોડ કરવામાં આવ્યા છે, જેના કારણે ખાતર ક્ષેત્રના વિસ્તરણને વધુ વેગ મળ્યો છે.
આ સાથે ગોઠનગાંવ ખાતે મેસર્સ કૃભકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સાઈડિંગ પર કન્ટેનર લોડિંગમાં પણ રેકોર્ડ વધારો નોંધાયો છે. અગાઉ મહત્તમ 58 રેક લોડ થતા હતા, જ્યારે ડિસેમ્બર મહિનામાં 64 રેક લોડ કરીને નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
ડીજીએફજે (DGFJ) ટર્મિનલ પર મીઠાના અનલોડિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ કોઈ એક મહિનામાં મહત્તમ 18 મીઠાના રેક અનલોડ થતા હતા, જ્યારે હવે આ આંકડો વધીને 33 રેક સુધી પહોંચ્યો છે, જે લગભગ બમણો છે.
માલ લોડિંગ વધારવા માટે વડોદરા મંડળ દ્વારા અનેક માળખાગત અને કાર્યાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર–રાજપીપલા રેલ લાઈન પર આવેલ ગુમાનદેવ સ્ટેશનને હવે માલ પરિવહન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગુમાનદેવ ગુડ્સ શેડના નવા નિર્મિત ગુડ્સ પ્લેટફોર્મ પર પ્રથમ ઔદ્યોગિક મીઠાની રેક પ્રાપ્ત થવાથી મંડળે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. અહીં 650 મીટર લાંબા નવા ગુડ્સ પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે તેમજ એક વધારાની લૂપ લાઈન પણ પ્રસ્તાવિત છે. પ્લેટફોર્મનું કામ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં અહીંથી ખાતરની લોડિંગ પણ શરૂ થવાની શક્યતા છે.
આ ઉપરાંત મંડળ પર ગુડ્સ ટ્રેનોની ગતિમાં અંદાજે 5 ટકા વધારો થયો છે, જેના કારણે માલ પરિવહનમાં સમયની બચત થતી થઈ છે અને ઉદ્યોગોને ઝડપી તથા વિશ્વસનીય સેવા ઉપલબ્ધ બની છે.
