Vadodara gas price hike: વડોદરા ગેસ લિમિટેડ (VGL) કંપનીએ નવા વર્ષની શરૂઆતમાં જ શહેરના ગેસ ગ્રાહકોને ભાવ વધારાની ભેટ આપી છે. કંપની દ્વારા ઘરગથ્થુ ઉપયોગ માટે પાઈપલાઈન મારફતે આપવામાં આવતા PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) તેમજ વાહનોમાં વપરાતા CNG ગેસના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર શહેરના લાખો ગ્રાહકો પર પડવાની છે.
ઘરગથ્થુ PNG ના ભાવમાં પ્રતિ યુનિટ 73 પૈસાનો વધારો
કંપનીના જણાવ્યા અનુસાર, ઘરગથ્થુ PNG ગેસના ભાવમાં પ્રતિ યુનિટે 73 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે હવે વડોદરા શહેરમાં PNG ગેસનો નવો દર 50.23 રૂપિયા પ્રતિ યુનિટ થયો છે. રોજિંદા રસોઈ માટે ગેસ પર નિર્ભર મધ્યમ અને નીચી આવક વર્ગના પરિવારો માટે આ વધારો આર્થિક ભારણરૂપ સાબિત થવાનો છે.
CNG ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો
સાથે જ વાહનચાલકોને પણ ઝટકો લાગ્યો છે. CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ હવે વડોદરામાં CNG ગેસનો નવો ભાવ 82.95 રૂપિયા પ્રતિ કિલો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવમાં સતત વધારો થતો હોવાને કારણે રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનચાલકો પર આ વધારો વધુ બોજો ઉમેરે તેવો છે.
આ પણ વાંચો: Vadodara: વડોદરામાં ST, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ: 88 વાહન ડિટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ્યો
કંપનીએ જણાવ્યું ભાવ વધારાનું કારણ
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગેસ ખરીદી ખર્ચ, ઓપરેશનલ ખર્ચ તેમજ અન્ય પરિબળમાં થયેલા વધારાને કારણે ભાવ વધારો અનિવાર્ય બન્યો છે. જોકે, ગ્રાહકો તરફથી આ નિર્ણય સામે નારાજગી જોવા મળી રહી છે. ઘણા ગ્રાહકોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં આવો ભાવ વધારો સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારશે.
શહેરમાં 2.83 લાખથી વધુ PNG ગ્રાહકો
વડોદરા શહેરમાં હાલમાં અંદાજે 2.83 લાખથી વધુ PNG ગ્રાહકો નોંધાયેલા છે. આ ભાવવધારાની અસરથી દરેક ઘર પર સરેરાશ દ્વિમાસિક બિલમાં 20થી 25 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ આવશે. આ રકમ નાની લાગતી હોવા છતાં, મોટા પાયે જોવામાં આવે તો કુલ મળીને લાખો રૂપિયાનું વધારાનું ભારણ નાગરિકો પર પડશે. નવા વર્ષની શરૂઆતમાં જ ગેસના ભાવ વધતા સામાન્ય જનતાની બજેટ યોજના પર તેની અસર ચોક્કસપણે જોવા મળશે.
