Vadodara: ગત 9 જુલાઈના રોજ ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે, ત્યારે તૂટેલા પુલ પર જોખમી રીતે લટકતી શિવમ રોડલાઈન્સની ટેન્કર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આખરે 28 દિવસ બાદ ટેન્કર સહીસલામત માલિકને મળતાં તેમની આંખો છલકાઈ હતી.
ગઈકાલે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન સેલ્વેજિંગ નિષ્ણાંતોની ટીમે બે એર કેપ્સ્યૂલ બલુનમાં હવા પુરીને ટેન્કરને ઊંચુ કરવામાં આવ્યું હતુ. જે બાદ કેબલ દ્વારા ટેન્કરને ખેંચીને બ્રિજના છેડે સલામત સ્થળે લાવવામાં આવ્યું હતુ. આ સમગ્ર પ્રક્રિયા માટે એક કિલોમીટર દૂર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી ચાર ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર ઑપરેશનનું મોનિટરિંગ કરવામાં આવતું હતુ.
હવે અમારી ટેન્કર ફરીથી રોડ પર દોડવા માટે તૈયાર
જે બાદ આજે દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરને શિવમ રોડલાઈન્સના માલિક સંતોષભાઈને સોંપવામાં આવ્યું હતુ. સંતોષભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, અમારું ટેન્કર ગઈકાલે બ્રિજ પરથી હટાવી દેવામાં આવ્યું હતુ. જે બાદ આજે આંકલાવ ખાતે લાવવામાં આવ્યું હતુ. ટેન્કરમાં થયેલા નુક્સાનને વિશ્વકર્મા કંપનીએ રિપેર કરીને અમને પરત આપ્યુ છે. જેની અમને ખુશી છે. હવે અમારી ટેન્કર રોડ પર દોડવા માટે તૈયાર છે.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ટેન્કરના માલિક રામશંકર પોતાનું વાહન તેમને સહીસલામત મળતાં ભાવુક બની ગયા હતા. જેમણે ભીની આંખે ભગવાનનો આભાર માન્યો હતો. આ સાથે જ ટેન્કરની ડ્રાઈવિંગ સીટ પર બેસીને પગે પણ લાગ્યા હતા.
જણાવી દઈએ કે, ટેન્કરને સહીસલામત હટાવવાની કામગીરી રાજ્ય સરકારની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરીની જવાબદારી આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીને સોંપી હતી.
