વડોદરા મનપાની ફૂડ સેફ્ટી ટીમનું 21 એકમોમાં ચેકિંગ, સડેલા કેળા, કલરયુક્ત ચટણી સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો; 1 યુનિટ સીલ

વડોદરા મનપાની ફૂડ સેફ્ટી શાખાએ 21 ખાદ્ય એકમોનું ચેકિંગ કર્યું, જેમાં 2.5 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો. ગુરુકૃપા રેસ્ટોરન્ટને અનહાઈજિનિક સ્થિતિને કારણે સીલ કરવામાં આવી અને અન્ય હોકર્સ પાસેથી સડેલા કેળા અને કલરવાળી ચટણી જપ્ત કરાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 08:52 PM (IST)Updated: Thu, 20 Aug 2026 08:52 PM (IST)
vadodara-food-safety-drive-vmc-seals-restaurant-destroys-unhygienic-food
HIGHLIGHTS
  • જેતલપુર રોડ પરના 'ઈશ્વર લાઈવ વેફર'માંથી 1 કિલો સડેલા કેળા મળી આવ્યા

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુસર વડોદરા મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સીનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે શહેરના મુખ્ય વિસ્તારોમાં અચાનક તવાસી કરી ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા એકમોની ચકાસણી કરી હતી.

વિવિધ વિસ્તારોમાં કુલ 21 યુનિટ પર તપાસ

મનપાની ટીમ દ્વારા હરણી રોડ સંગમ ચાર રસ્તા, માજલપુર તુલસીધામ ચાર રસ્તા, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કુલ 21 ખાદ્ય એકમોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 8 હોકર્સ, 2 રિટેલર્સ અને 11 રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન ગંભીર સ્વરૂપની અનિયમિતતાઓ ધ્યાને આવતા 2.5 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતાનો અભાવ જણાતા ૧ યુનિટને બંધ કરાવવામાં આવ્યું હતું.

હોકર્સ સામે કડક કાર્યવાહી

જેતલપુર રોડ પર આવેલ 'ઈશ્વર લાઈવ વેફર' નામના હોકર યુનિટ પર તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાતો સડી ગયેલ 1 કિલો કેળાનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત 'સાંઈનાથ નાસ્તા હાઉસ' પરથી 1 કિલો અખાદ્ય સમોસા અને 'ખુશ્બુ કોર્નર' હોકર યુનિટ પરથી કલરવાળી અંદાજે 500 ગ્રામ ચટણીનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. 

અનહાઈજિનિક સ્થિતિ બદલ રેસ્ટોરન્ટ સીલ

ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'ગુરૂકૃપા રેસ્ટોરન્ટ' માં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રસોડામાં ભારે અનહાઈજિનિક પરિસ્થિતિ અને આરોગ્યપ્રદ નિયમોનો ભંગ થતો માલૂમ પડતા પાલિકાની ટીમે તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટ યુનિટને સીલ કરાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા મનપાની ફૂડ શાખાની આ પ્રકારની આક્રમક કાર્યવાહીથી નાસ્તાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.