Rajkot Lodhika Sangh Election: એશિયાની સૌથી મોટી તાલુકાકક્ષાની સહકારી સંસ્થા રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની મંડળી વિભાગની 15 અને એક વ્યકિતગત મળી કુલ 16 બેઠકની આગામી તા.8 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બિલિમોરા સુગરમિલની ચૂંટણી જેવી સ્થિતિ સર્જાતા અને ભાજપમાં બળવો થાય તેવો ઉમેદવારોનો મૂડ જોઇ હાલ ભાજપે મેન્ડેટ આપવાનું માંડી વાળ્યુ છે અને જેને ચૂંટણી લડવી હોય તે તમામને ફોર્મ ભરવાની છૂટ આપી દેતા 61 મતદારવાળી કુલ 16 બેઠક ઉપર 36 ફોર્મ ભરાયા છે.
આજે બપોરે એક વાગ્યા સુધી ભાજપના મેન્ડેટ માટે ખેંચતાણ ચાલી હતી, પરંતુ ભાજપના જ જબરા આંતરિક લોબિંગના અને ખેંચાખેંચીના કારણે ઉમેદવારો ફાઇનલ થઇ નહીં શકતા તમામને ફોર્મ ભરવાની છૂટ આપી દેવામાં આવતા જ 61 મતદારોમાંથી 36 મતદારોએ ફોર્મ ભરવા દોટ મૂકી હતી.
આ ખેંચતાણ વચ્ચે રા.લો. સંઘના બે જૂના ખેલાડી નીતિન ઢાકેચા (સરધાર) અને નરેન્દ્રસિંહ જાડેજા (ખીરસરા)ના એક-એક જ ફોર્મ આવતા આ બંન્ને ઉમેદવારો બિન હરીફ થઇ ગયા છે. જ્યારે વ્યક્તિગત બેઠક ઉપર એકમાત્ર મતદાર કમ ઉમેદવાર ભીમજીભાઈ કલોલા પણ બીનહરીફ થયા છે.
ભાજપના સુત્રોના કહેવા મુજબ, આગામી તા.22થી 27 સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય છે. તે પૂર્વ રીસામણા-મનામણા કરી વધારાના ફોર્મ પાછા ખેંચાવી લેવામાં આવશે. જો કે કેટલાક ઉમેદવારો પાર્ટી લાઇનની બહાર નીકળી લડી લેવાના અને બિલિમોરા વાળી કરવાના મુડમાં હોવાથી તેલ અને તેલની ધાર જોયા બાદ જ મેન્ડેટ ફાળવવામાં આવનાર છે. જો સર્વસંમતીથી બીનહરીફ પેનલ ન થાય તો પક્ષિય ધોરણે ચૂંટણી લડવાનું માંડી વાળવામાં આવશે.
હાલ રા.લો. સંઘના વર્તમાન ચેરમેન નરેન્દ્ર સિંહ જાડેજા, અરવિંદ રૈયાણી, નીતિન ચોવટીયા, અશ્વિન લીંબાસીયા, વિજય સખીયા, મહેશ આસોદરીયા, સંજય અમરેલીયા, મનસુખ સરધાર અને નરેન્દ્ર ભુવા, નિતીન ઢાકેચા,ગોવિંદ બોધરા લક્ષ્મણ સિંહ જાડેજા સહિતના 36 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
આવતીકાલે તા. 21 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને તા.22 ઓગસ્ટના સવારે 11 વાગ્યે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે તા.22થી તા.27 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ તા.29 ઓગસ્ટના સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જો મતદાન જરૂરી બનશે તો તા. 8 સપ્ટેમ્બરના સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. 9 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.
એક બ્લોકના ત્રણ મતદારો ગાયબ
રા.લો.સંઘની ચૂંટણીમાં સતાધારી જૂથ ભાજપમાં જ ભારે રસાકસી અને ખેંચાખેંચી વચ્ચે એક બીજાના દાવ લેવાની પણ શરૂઆત થઇ છે અને રા.લો. સંઘના ચેરમેન બનાવવાના સપના જોતા એક ઉમેદવારને પાડી દેવા તેના જ કટર હરીફ નેતાએ ખેલ પાડ્યો હોવાનુ બહાર આવ્યુ છે.
ચેરમેન પદના દાવેદાર ઉમેદવારના બ્લોકના ચાર મતદાર પૈકી એક મતદારે સૌથી પહેલા ફોર્મ ભરી દીધુ હતું અને ત્યારબાદ અન્ય બે મતદારો સાથે ગાયબ થઇ ગયા છે. આ ત્રણેય મતદારોને ભાજપના એક જ નેતાએ ગુપ્ત સ્થળે મોકલી દીધાની ચર્ચા છે.
