સુરત નવી સિવિલમાં 99મું સફળ અંગદાનઃ મધ્ય પ્રદેશના પવનકુમાર સેનના લીવર, હાર્ટ અને બે કિડનીના દાનથી 4 લોકોને નવજીવન મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 29 વર્ષીય પવનકુમાર સેનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું. તેમના લીવર, હાર્ટ અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું, જે હોસ્પિટલનું 99મું સફળ અંગદાન છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 08:19 PM (IST)Updated: Thu, 20 Aug 2026 08:19 PM (IST)
surat-civil-hospital-achieves-99th-organ-donation-milestone-as-mp-youth-saves-4-patients

Surat Civil Hospital Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મુ સફળ અંગદાન નોંધાયું હતું. મૂળ મધ્ય પ્રદેશનના વતની અને સુરતના કડોદરા વરેલી ખાતે રહેતા 29 વર્ષીય પવનકુમાર સેનના લીવર, 2 કિડની અને હાર્ટના દાનથી 4 વ્યક્તિઓને નવજીવન મળશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તા.15મી ઓગસ્ટેના રોજ સાંજે 6.00 વાગ્યે પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જોલવા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારતા પવનકુમાર રિક્ષામાંથી નીચે પડી ગયા હતા.

શરૂઆતમાં તેઓ પ્રાઈવેટ હોસ્પિટલ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ માથાનો દુખાવો ન મટતા રાત્રે 9.00 વાગ્યે તેમને સ્મીમેર મેડીકલ કોલેજ લઈ જવામાં આવ્યા અને બાદમાં ફેમિલી ડોક્ટરની સલાહથી અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં રિપોર્ટસ કરાવ્યા હતા.

જે બાદ તારીખ 16મી ઓગસ્ટના રોજ બપોરે 03.28 વાગ્યે 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતને જોતા ઇમરજન્સીમાંથી આઈસીયુ (ICU) માં શિફ્ટ કરીને તેમની સારવાર ચાલી રહી છે.

ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર નિર્મલા કાથુડેએ પવનકુમારના પત્ની સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર, નર્સિંગ સ્ટાફ અંગદાતાની પ્રાર્થનામાં જોડાયા હતા.

તા.18મી ઓગસ્ટ-2026ના બપોરન 04.45 વાગ્યે આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા, ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર નિર્મલાબેન કાથુડ, કાઉન્સેલરો, મેડીકલ ઓફિસર ડો.બરીરા, ડો.દિવ્યા, ડો.રાધીકા, ડો.સંસ્કૃતી દ્વ્રારા તેમના પત્ની સુષ્માબેન અને ભાઇઓ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં સહમતિ આપી હતી.

બ્રેઈનડેડ પવનકુમાર સેનના હાર્ટને અમદાવાદની CIMS હોસ્પિટલ અને બન્ને કિડની તેમજ લીવરને KD હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી. અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃત્તિ અભિયાન બનાવ્યું છે તેવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો.

નવી સિવિલના ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.