ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડઃ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડમાં પકડાયેલા 13 આરોપીઓને 31 ઓગસ્ટ સુધીના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 07:05 PM (IST)Updated: Thu, 20 Aug 2026 07:05 PM (IST)
bhavnagar-hooch-tragedy-13-accused-sent-to-10day-police-remand-lcb-pi-suspended

નરેન્દ્ર આહીર, Bhavnagar Hooch Tragedy: ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ પ્રકરણમાં તપાસ કરનાર પોલીસ એજન્સીને મોટા પાયે સફળતા મળી છે. આ ગંભીર કેસમાં પકડાયેલા તમામ 13 આરોપીઓને આજે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન કોર્ટે તમામ આરોપીઓની સંડોવણીને ગંભીરતાથી લઈને આગામી 31 ઓગસ્ટ સુધીના એટલે કે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગર લઠ્ઠાકાંડના તમામ 13 આરોપીઓને ત્રીજા એડિશનલ સેશન્સ જજ ધર્મેશ જાનીની કોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા.

SMCની ટીમ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આ નકલી અને ઝેરી દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે અને કાવતરાના મુખ્ય સૂત્રધારને પકડવા માટે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી અત્યંત આવશ્યક છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ ધર્મેશ જાનીએ પોલીસની માગણી સ્વીકારીને 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


SMC દ્વારા હાલ આ સમગ્ર લઠ્ઠાકાંડની ધોરણસરની તપાસ હાથ ધરાઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેમિકલયુક્ત અને ઝેરી પ્રવાહી એટલે કે મિથેનોલ ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યું હતું? દારૂની ખાલી બોટલો પર લગાવવામાં આવતા અસલી જેવા લાગતા બ્રાન્ડેડ સ્ટીકરો ક્યાંથી અને કેવી રીતે છાપવામાં કે લાવવામાં આવ્યા હતા? નકલી દારૂ તૈયાર કરવાની આખી પ્રક્રિયા કઈ જગ્યાએ અને કયા શખ્સોની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવતી હતી? આ તમામ દિશાઓમાં કડીઓ જોડીને તપાસને વધુ વેગવંતી બનાવવામાં આવી છે.


રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI સામે કડક કાર્યવાહી

ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનાર ડુપ્લીકેટ દારૂકાંડ મામલે પોલીસ વિભાગ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ગંભીર કેસમાં બેદરકારી અને ગેરરીતિઓ સામે આવતા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે.

આ મામલે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર LCB PI મયુરધ્વજ સિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પગલાં સીધા રાજ્યના ડીજીપી દ્વારા લેવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 6 જેટલા પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં બે PI કક્ષાના અધિકારીઓ પણ સમાવેશ થઈ છે.

જણાવી દઈએ કે, આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 જેટલા નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ આઘાત અને ગંભીર આરોગ્ય અસરોનો સામનો કરી રહ્યા છે.

આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં બુટલેગરો અને સ્થાનિક વહીવટી તંત્રની મિલીભગત સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. હવે આગામી ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન આ લઠ્ઠાકાંડ પાછળના કયા મોટા ચહેરાઓ અને રેકેટનોર્ પર્દાફાશ થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.