Bhavnagar Hooch Tragedy: તાજેતરમાં જ ભાવનગર પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ પીધા પછી 13 લોકોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી મૂકી હતી. એવામાં દારૂ પીવાની આદત ધરાવતા વધુ એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલ તો મૃતકના બ્લડ સેમ્પલ FSLમાં મોકલી વધુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરના રામેશ્વર રોડ પર રહેતા અને સ્કૂલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો ભાવેશ વસાણી (48) સિહોર તાલુકામાં આવેલ નવનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને ઘરે પરત ફર્યો હતો. જ્યાં મોડી રાતે અચાનક ભાવેશની તબિયત લથડી હતી અને છાતીમાં દુખાવો ઉપડવા સાથે ઊલટીઓ થવા લાગી હતી. આથી ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક ભાવેશને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતુ.
પત્નીને પોતે કેફી પીણું પીધુ હોવાનું કહ્યું હતુ
આ બાબતની જાણ થતાં ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક સર.ટી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જ્યાં સારવાર માટે લાવ્યા ત્યારે ભાવેશના લીધેલા બ્લડ સેમ્પલને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી આપ્યા છે. જેથી મૃતકની બોડીમાં કોઈ ઝેરી કેમિકલનું પ્રમાણ હોય તો જાણી શકાય. આ સાથે જ પોસ્ટમોર્ટમ વખતે લીધેલા વિસેરા પણ જૂનાગઢ FSL મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ પૂછપરછમાં મૃતક ભાવેશ વસાણીની પત્નીએ જણાવ્યું કે, પતિને આલ્કોહોલ લેવાની આદત હતી. રાતે તબિયત લથડતા મૃતકે પત્ની સમક્ષ કેફી પીણું પીધુ હોવાની કબૂલાત કરી હતી, જે બાદ સવારે હોસ્પિટલના બિછાને તેણે દમ તોડ્યો હતો. આથી મૃત્યુને શંકાસ્પદ ગણીને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. FSLમાંથી રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે. હાલ તો યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
