વડોદરા રાજમહેલના ગણેશોત્સવની 86 વર્ષ જૂની પરંપરા: શાસ્ત્રોક્ત નિયમો અને 36 ઈંચના કદ સાથે જ કંડારાય છે 'બાપ્પા'ની પ્રતિમા

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં 86 વર્ષથી અવિરત ચાલતી ગણેશોત્સવની પરંપરા. શાસ્ત્રોક્ત નિયમો મુજબ ભાવનગરની માટીમાંથી બનતી 36 ઈંચની દિવ્ય ગણપતિ પ્રતિમાનો રસપ્રદ ઈતિહાસ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 02:12 PM (IST)Updated: Fri, 11 Sep 2026 02:12 PM (IST)
vadodara-lakshmi-vilas-palace-ganesh-utsav-86-year-old-tradition-36-inch-ganesha-idol

Vadodara Ganeshotsav 2026: ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થનારા ગણપતિજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા રાજવી પરિવારના આ ગણેશોત્સવ સાથે 86 વર્ષ જૂનો ભવ્ય ઈતિહાસ જોડાયેલો છે.

વર્ષ 1939માં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા પેલેસમાં ગણેશ સ્થાપનાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતો ચૌહાણ પરિવાર સતત ત્રણ પેઢીથી આ ખાસ પ્રતિમા ઘડવાની સેવા આપી રહ્યો છે.

રાજમહેલમાં વિરાજમાન થનાર મૂર્તિનો ઇતિહાસ

આ દિવ્ય મૂર્તિના નિર્માણ પાછળ એક રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે. જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજમહેલમાં ગણપતિ સ્થાપનાનો નિર્ણય કર્યો, ત્યારે તેમણે પ્રતિમાનું સ્વરૂપ નક્કી કરવા કાશીથી પ્રકાંડ પંડિતોને બોલાવ્યા હતા. શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો મુજબ ગણેશજીનું એક વિશેષ રેખાચિત્ર તૈયાર કરાયું હતું. તે જ ચિત્રના આધારે મૂર્તિકાર સ્વ. કૃષ્ણારાવ ચૌહાણે પ્રથમ મૂર્તિ બનાવી હતી, જેને મહેલમાં પૂજન માટે પસંદ કરાઈ હતી. ત્યારથી લઈને આજદિન સુધી એ જ શાસ્ત્રોક્ત ડ્રોઈંગ અને માપદંડોને અનુસરીને મૂર્તિ બનાવવામાં આવે છે.

મૂર્તિમાં ભાવનગરની માટીનો ઉપયોગ

ચૌહાણ પરિવારની વર્તમાન પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ પ્રતિમાની બનાવટ માટે ખાસ ભાવનગરથી માટી મંગાવવામાં આવે છે. મૂર્તિનું કદ અને વજન દાયકાઓથી નિશ્ચિત છે. તેની ઊંચાઈ બરાબર 36 ઈંચ અને વજન 90 કિલોગ્રામ જ રાખવામાં આવે છે.

ચૌહાણ પરિવાર માટે ગૌરવની બાબત

આ ઉજવણીમાં એક અનોખી ધાર્મિક પરંપરા પણ જોડાયેલી છે. દર વર્ષે અખાત્રીજ ના પવિત્ર દિવસે રાજમહેલમાંથી 200 વર્ષ જૂનો ખેરના લાકડાનો ઐતિહાસિક પાટલો મૂર્તિકારના નિવાસ્થાને મોકલવામાં આવે છે. આ પાટલા પર જ ગણપતિજીની મૂર્તિ તૈયાર થાય છે અને ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પા આ જ પાટલા પર વિરાજમાન થઈને ધામધૂમથી લક્ષ્મી વિલાસ પેલેસમાં પધારે છે. 86 વર્ષથી અવિરત ચાલતી આ પરંપરાનું પાલન કરવું એ ચૌહાણ પરિવાર માટે ભારે ગૌરવની બાબત છે.