Jamnagar Farmers Protest: વીજ લાઈન મુદ્દે વાવડી ગામના ખેડૂતો આરપારના મૂડમાં, સરપંચ સહિત 7 ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા

જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઈન અને થાંભલા નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળીને સરપંચ સહિત 7 ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 06:51 PM (IST)Updated: Thu, 20 Aug 2026 06:51 PM (IST)
jamnagar-news-jodiya-vavdi-farmers-protest-7-farmers-hunger-strike-over-power-line-dispute

નરેન્દ્ર આહીર, Jamnagar Farmers Protest: જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઈન અને વીજ થાંભલા નાંખવાના મુદ્દે ચાલી રહેલો ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. ખાનગી કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીના વિરોધમાં ખેડૂતોએ હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કર્યા છે. હવે આ આંદોલન ઉપવાસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.


તંત્રની ઉદાસીનતાથી ત્રસ્ત સરપંચ સહિત 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ

વાવડી ગામમાં સરકારી ખરાબામાં તેમજ ખેડૂતોના ઉભા પાક વાળા ખેતરોમાં એક ખાનગી કંપની દ્વારા વીજ લાઈન અને થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોથી ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વીજ થાંભલા નાખવા સામે સખત અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ યોગ્ય નિરાકરણ ન આવતા અંતે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

તંત્રની ઉદાસીનતાથી કંટાળીને વાવડી ગામના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ન્યાય મેળવવા માટે ગામના સરપંચ સહિત કુલ 7 વ્યક્તિઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે. આ ઉપવાસીઓને પોતાનું સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો અને ગ્રામજનો પણ ઉપવાસ છાવણી ખાતે ઉમટી પડ્યા છે.

વીજ થાંભલા અને વીજ લાઈનના મુદ્દે તંત્ર અને કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનું કોઈ સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવશે.

વાવડી ગામે ખેડૂત આંદોલન હવે ઉપવાસ છાવણીમાં પલટાતા સ્થાનિક વહીવટી તંત્ર સામે મોટો પડકાર ઉભો થયો છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે.