પ્રશાંત ગજ્જર, Vadodara Sayaji Hospital: ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં વધતા દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ક્રાઉડ મેનેજમેન્ટ અભિયાન અંતર્ગત હોસ્પિટલના OPD વિભાગમાં વિધિવત રીતે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
વડોદરાના જેલ રોડ પર આવેલી આ મુખ્ય સરકારી હોસ્પિટલમાં મોસમી બીમારીઓના કારણે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. અગાઉ રજિસ્ટ્રેશનથી લઈને તબીબી તપાસ સુધી દર્દીઓએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું.
આ પણ વાંચો
નવી મેન્યુઅલ ટોકન સિસ્ટમના કારણે હવે દર્દીઓને રજિસ્ટ્રેશન નંબર કે ટોકન આપવામાં આવશે, જેથી તેઓએ કાઉન્ટર કે દરવાજા પાસે સતત ભીડ કરીને ઊભા રહેવું નહીં પડે.
આ અભિયાન માત્ર OPD રજિસ્ટ્રેશન પૂરતું સીમિત નથી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા ભીડવાળા વિસ્તારોમાં દર્દીઓ અને તેમના સગાંઓ, ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે બેઠક વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે.
આગામી તબક્કામાં આ વ્યવસ્થાને ડિજિટલ સ્વરૂપ આપવાની સાથે ફાર્મસી અને લેબ સેમ્પલ કલેક્શનની પ્રક્રિયાને પણ વિકેન્દ્રીકૃત કરવાની યોજના છે, જેથી દર્દીઓને દવા કે ટેસ્ટ માટે પણ એક જ જગ્યાએ પરેશાન ન થવું પડે. તંત્રના આ સુચારૂ આયોજનથી દર્દીઓનો રાહ જોવાનો સમય ઘટશે અને સમગ્ર સારવાર પ્રક્રિયા વધુ પારદર્શક તથા સરળ બનશે તેવી પૂરી આશા છે.
