વડોદરામાં અશાંત ધારાને લઈને હોબાળો: તાંદલજામાં હનુમાન ચાલીસાના પાઠ, બીજી તરફ ભાયલીમાં રહીશોએ ધારાસભ્યનો આભાર માન્યો

તાંદલજામાં અશાંત ધારા હેઠળની જમીન મુસ્લિમ સમુદાયને મંજૂરી આપવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ, તાત્કાલીક હુકમ રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં હોબાળો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Apr 2026 09:14 PM (IST)Updated: Thu, 02 Apr 2026 09:14 PM (IST)
vadodara-disturbed-areas-act-row-tandalja-residents-protest-bhayli-gets-approval
HIGHLIGHTS
  • તાંદલજામાં હનુમાન ચાલીસા અને રામધૂન સાથે કલેક્ટર કચેરી ગજવી
  • ભાયલીમાં અશાંત ધારો લાગુ થતા હિન્દુ પરિવારોમાં ખુશી

Vadodara: વડોદરામાં 'અશાંત ધારો' (Disturbed Areas Act) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજામાં અશાંત ધારાના કથિત ઉલ્લંઘન સામે રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બીજી તરફ ડભોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં નવા અશાંત ધારાની મંજૂરી મળતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારનો આભાર માન્યો છે.

કલેક્ટર કચેરીએ હનુમાન ચાલીસાના પાઠ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારા હેઠળ આપવામાં આવેલી એક જમીન મંજૂરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, જે જમીન પર મુસ્લિમ સંપ્રદાયને મંજૂરી અપાઈ છે, તેની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે. રહીશોના મતે, મુસ્લિમ વસ્તી મુખ્ય રોડની બીજી તરફ 200-300 મીટર દૂર છે, છતાં અહીં મંજૂરી આપી અશાંત ધારાનો ભંગ કરાયો છે.

પોતાની માગણી પ્રબળ બનાવવા માટે મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા અને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસા તથા રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોની માગ છે કે, આ ભૂલભરેલો હુકમ તાત્કાલિક રદ કરવામાં આવે.

ભાયલીમાં અશાંત ધારો થતાં ધારાસભ્યએ ખુશી વ્યક્ત કરી

એકતરફ જ્યારે તાંદલજામાં વિરોધ છે, ત્યારે બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની લાંબા સમયની રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા ભાયલી ટીપી-3 અને 4 માં અશાંત ધારો લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

હનુમાન જયંતિના પવિત્ર દિવસે જ આ અંગેનો પત્ર મળતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે, ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ થવાથી હિન્દુ રહેવાસીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થશે.