Vadodara Digital Arrest Scam: વડોદરા શહેરમાં સાયબર ઠગો દ્વારા નવતર અને ભયાનક કીમિયો અપનાવી નાગરિકોને શિકાર બનાવવાની ઘટના સામે આવી છે. સાયબર ગુનેગારોએ એક માતા અને પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી પરિવારના પાંચ અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 1,53,04,047 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 31 જુલાઈએ એક સિનિયર સિટીઝન મહિલા પર અજાણ્યા શખ્સે ફોન કરીને તેમના પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયાનું અને તેમાંથી રૂ. 1 લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું જણાવ્યું હતું. આ બાબતે મહિલાએ પોતાના પુત્રને જાણ કરી હતી.
જે બાદ વોટ્સએપ પર પોલીસ યુનિફોર્મ પહેરેલા એક ઠગે પોતાની ઓળખ મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. આરોપીઓએ મહિલાના આધારની વિગતો મેળવી લીધી હતી અને પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગંભીર કેસ હોવાનું જણાવી ડરાવ્યા હતા. જે બાદ ‘ઓનલાઈન ઇન્કવાયરી’ના નામે પરિવારને સતત વીડિયો કોલ પર જ રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
ઠગ ટોળકીએ પોતાની ઓળખ SBI, મુંબઈ પોલીસ, CBI અને RBIના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપી હતી. આરોપીઓએ પરિવારને માનસિક દબાણમાં રાખી દિવસ-રાત વીડિયો કોલ ચાલુ રખાવ્યો હતો અને તેમની તમામ બેંક વિગતો, મિલકત, મ્યુચ્યુઅલ ફંડ તથા ફિક્સ ડિપોઝિટની માહિતી કઢાવી લીધી હતી.
ગત 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન RBI અને અન્ય બેંકોના નામે બનાવટી લેટરપેડ તેમજ સહીવાળા દસ્તાવેજો મોકલીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેના આધારે ઠગોએ અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ. 1.53 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આ બનાવ દરમિયાન પરિવારના એક પરિચિતને આ સમગ્ર પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા તેમણે આ ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી સાયબર છેતરપિંડી હોવાની સાચી સમજ આપી હતી અને પરિવારને સાવચેત કર્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ પરિવારે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાને પગલે શહેરમાં વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે આ મામલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
