PM Modi Vadodara Visit: વડાપ્રધાન 8 સપ્ટેમ્બરે વડોદરા આવશે, રૂ. 30 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ₹30,000 કરોડથી વધુના રેલવે અને નેશનલ હાઈવેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિશાળ જનસભાને સંબોધશે અને શહેરમાં 'સ્વચ્છતા' થીમ પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 03:40 PM (IST)Updated: Sun, 30 Aug 2026 03:40 PM (IST)
pm-modi-vadodara-visit-rs-30000-crore-development-projects-and-clean-up-drive

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડોદરા ખાતે રેલવે મંત્રાલયના 30 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ સાથે જ નેશનલ હાઈવેના નવા બ્રિજોને પણ જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. આ પ્રસંગે PM મોદી 8 થી 10 હજાર લોકોની વિશાળ જનસભાને સંબોધશે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં વડાપ્રધાનની ગુજરાતની આ સાતમી મુલાકાત હશે.

આ કાર્યક્રમની તૈયારીઓ અંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે, વડાપ્રધાનની ઉપસ્થિતિનો મહત્તમ લાભ વડોદરા અને આસપાસના વિસ્તારને મળે તે માટે અન્ય સરકારી વિભાગો પણ આ આયોજનમાં જોડાશે. સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો, વ્યાવસાયિકો જેવા કે ડૉક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો અને એડવોકેટ્સને આ કાર્યક્રમ માટે ખાસ નિમંત્રણ આપવામાં આવશે.

આ ઉપરાંત નાગરિકોનું રજિસ્ટ્રેશન કરાવીને તેમને સામેલ કરવા અંગે પણ આયોજન ચાલી રહ્યું છે. વડાપ્રધાનના વક્તવ્યનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરામાં 'સ્વચ્છતા'ને મુખ્ય થીમ બનાવવામાં આવી છે. વડાપ્રધાન સ્વચ્છતાના પ્રખર આગ્રહી હોવાથી આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન શહેર અને જિલ્લામાં 'ક્લીન અપ વડોદરા' નામથી એક વિશાળ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે.

પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગત 29 ઓગસ્ટની મોડી સાંજે વડોદરા પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસ ખાતે સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર રૂપરેખાની સમીક્ષા કરી હતી. પ્રવર્તમાન આયોજન મુજબ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ રોડ શો રાખવામાં આવ્યો નથી. આ કાર્યક્રમનો ચોક્કસ સમય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.