Ahmedabad Crime News: અમરેલીના એક યુવકે ઘર કંકાશમાં ખૂની ખેલ ખેલ્યો હોવાની ખટના પ્રકાશમાં આવી છે. જેમાં તેણે રિસામણે અમદાવાદમાં પોતાના પિયર બેઠેલી પત્નીને ઝરીના આડેધડ ઘા ઝીંકીને લોહીલુહાણ કરી નાંખી હતી. જે બાદ ભાગીને ઢસા નજીક ટ્રેન નીચે પડતું મૂકીને પોતે આપઘાત કરી લીધો હતો.
પત્નીએ પાસે આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ છરીથી હુમલો કર્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં રહેતી રેખા બારૈયા નામની યુવતીને પતિ સાથે અણબનાવ થતાં તે 10 દિવસથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી તેની નાની બહેનના ઘરે આવી હતી.
આજે બપોરના સમયે તેનો પતિ ભાવેશ બારૈયા પત્નીને સમજાવવા માટે અમદાવાદ આવ્યો હતો. સાળીના ઘરની અગાશી પર પતિ પોતાની પત્નીને સાથે આવવા સમજાવી રહ્યો હતો. જો કે રેખાએ ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલા ભાવેશે પોતાની પાસે રહેલી છરી કાઢીને પત્ની પર હુમલો કરી દીધો હતો. પતિએ આડેધર છરીના ઘા ઝીંકતા પત્નીએ બૂમાબૂમ કરી મૂકી હતી.
અચાનક હુમલાથી પત્ની લોહીના ખાબોચિયામાં સ્થળ પર જ ફસડાઈ ગઈ હતી. પત્નીને તરફડિયા મારતી મૂકીને પતિ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો અને ટ્રેનમાં અમરેલી જવા નીકળ્યો હતો. જો કે રસ્તામાં પોલીસના હાથે પકડાઈ જવાની બીક અને પત્ની પર હુમલાનો અફસોસ થતાં તેણે બોટાદના ઢસા નજીક ટ્રેન નીચે ઝંપલાવી દીધુ હતુ.
હાલ તો આ સમગ્ર મામલે નિકોલ પોલીસ અને ઢસા પોલીસ સમાંતર તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક તપાસમાં દંપતીને 3 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો ઢસા પોલીસે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
