Vadodara News: વડોદરાના પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના બીજા પવિત્ર સંકલ્પને પૂર્ણ કરવા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંકલ્પ હેઠળ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં 11,11,111 રુદ્રાક્ષની માળાઓ વડે દિવ્ય શણગાર કરવામાં આવશે. આ સેવાયજ્ઞ માટે ગત 28 નવેમ્બરની મોડી સાંજે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી શિવભક્તોનો સંઘ રુદ્રાક્ષની માળાઓ સાથે સોમનાથ જવા માટે નીકળ્યો હતો.
યાત્રાળુઓને શુભકામના પાઠવી ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવ્યા
પ્રસ્થાન પ્રસંગે સ્વ. યોગેશભાઈ પટેલના પત્ની સરોજબેન પટેલ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, શહેરના મેયર, મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો, વિવિધ હોદ્દેદારો તથા સમિતિના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને યાત્રાળુઓને શુભકામના પાઠવી હતી. આ તકે ડો. જયપ્રકાશ સોનીએ સ્વ. ધારાસભ્યની અંતિમ ઈચ્છા સાકાર કરવાના ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવ્યા હતા.
40 જેટલા શિવભક્તો સોમનાથ તરફ રવાના
સત્યમ શિવમ સુંદરમ સમિતિના ટ્રસ્ટી મુકેશ દિક્ષિતે માહિતી આપી હતી કે, સવા અગિયાર લાખ રુદ્રાક્ષની માળાઓથી સોમનાથ દાદાના દરબારને શણગારવો એ સ્વ. યોગેશ પટેલનો બીજો સંકલ્પ અને અંતિમ ઈચ્છા હતી. આ માળાઓને આશરે 90 મોટા કોથળામાં સુરક્ષિત પેક કરીને એક ખાસ ટેમ્પા મારફતે સોમનાથ મોકલવામાં આવી છે. ટેમ્પાની સાથે 40 જેટલા શિવભક્તો લક્ઝરી બસમાં બેસીને સોમનાથ તરફ રવાના થયા છે.
ભક્તો પૂજન-અર્ચન કરી ભક્તિભાવમાં લીન થશે
આગામી 30 નવેમ્બર (સોમવાર) અને 1 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીને આ રુદ્રાક્ષની માળાઓનો ભવ્ય શણગાર થશે. ત્યારબાદ 2 ડિસેમ્બર (બુધવાર)ના દિવસે સમિતિ તરફથી સોમનાથ તીર્થક્ષેત્રમાં ખાસ ધાર્મિક કાર્યક્રમ યોજાશે, જેમાં ભક્તો પૂજન-અર્ચન કરી ભક્તિભાવમાં લીન થશે.
ટ્રસ્ટી મુકેશ દિક્ષિતે વધુમાં જણાવ્યું કે, અગાઉ કેદારનાથ અને હવે સોમનાથ ખાતે ભગવાન શિવને અર્પણ થયેલા આ અભિમંત્રિત રુદ્રાક્ષ વડોદરાના શહેરીજનો સુધી પણ પહોંચાડવામાં આવશે. આગામી મહાશિવરાત્રિએ વડોદરામાં યોજાતી પરંપરાગત 'શિવજી કી સવારી' દરમિયાન દરેક રુદ્રાક્ષને નાની ઝીપલોક બેગમાં પેક કરીને ભક્તોને પ્રસાદી રૂપે અપાશે. આ આયોજનને લઈને શહેરના શિવભક્તોમાં અનેરો આનંદ અને ભક્તિમય વાતાવરણ છવાયું છે.
