દિવાળી વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઘોડાપૂર; 8 મુખ્ય સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દિવાળીના તહેવારોમાં ગુજરાતના દ્વારકા, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, જાણો સંપૂર્ણ આંકડા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 18 Nov 2026 08:10 PM (IST)Updated: Wed, 18 Nov 2026 08:10 PM (IST)
massive-influx-of-tourists-at-gujarats-tourist-destinations-during-the-diwali-vacation-over-38-million-visitors-visited-8-major-locations

Gujarat Tourism 2026: દિવાળીના પર્વની રજાઓમાં આ વખતે ગુજરાતના પ્રવાસન ધામો અને તીર્થક્ષેત્રો પર મુલાકાતીઓનો અકલ્પનીય ધસારો જોવા મળ્યો છે. તારીખ 6 થી 14 નવેમ્બર, 2026 સુધીના નવ દિવસના તહેવારો દરમિયાન રાજ્યના 8 પ્રમુખ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આ વિક્રમી આંકડા સાથે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે એક નવો જ ઈતિહાસ રચાયો છે.

આધુનિક સુવિધાઓ અને આયોજનથી પ્રવાસીઓમાં વધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામો પર વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓનો સીધો લાભ મુલાકાતીઓને મળ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા, રહેવા-જમવાની વ્યવસ્થા અને સુચારુ સંચાલનને કારણે ગત વર્ષ 2025ના દિવાળી વેકેશનની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે.

દ્વારકા અને અંબાજીમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો

પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં સૌથી મોટી વૃદ્ધિ જોવા મળી છે. ભગવાન દ્વારકાધીશના દર્શને 9.75 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જે ગત વર્ષ કરતાં 128.8 ટકા વધુ છે. બીજી તરફ, શક્તિપીઠ અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે સૌથી વધુ 11.95 લાખથી પણ વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી, જે આંકડો ગત વર્ષની તુલનાએ 48.9 ટકાનો વધારો દર્શાવે છે.

સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સહેલાણીઓ ઉમટ્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં દિવાળીના તહેવારોમાં 9.12 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા હતા, જેમાં 43.9 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ 5.57 લાખથી વધુ પ્રવાસીઓએ પરિવાર સાથે રજાઓ માણી હતી, જે ગત વર્ષ કરતાં 32.35 ટકા વધારે છે.

નડાબેટ, વડનગર અને સ્મૃતિવનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ

ધાર્મિક સ્થળો ઉપરાંત સરહદી અને ઐતિહાસિક સ્થળો તરફ પણ પ્રવાસીઓનો ઝુકાવ વધ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે 37 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા, જે 54.1 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ સાથે જ ઐતિહાસિક નગરી વડનગરમાં 62 હજારથી વધુ, જૂનાગઢના ગિરનાર રોપ-વે પર 48,800થી વધુ (25.3 ટકા વધારો) અને કચ્છના ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોને પગલે ગુજરાત હવે દેશનું સૌથી પસંદગીનું ટુરિઝમ ડેસ્ટિનેશન બની રહ્યું છે.