પાદરામાં થયેલા કોમી છમકલામાં એક આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઈદના જૂલુસમાં કેટલાક યુવકો તલવારો અને મારક હથિયારોનું પ્રદર્શન કરતા નજરે ચઢ્યા છે. આ વિડીયો અને અન્ય ફૂટેજના આધારે પાદરા પોલીસે હથિયારોનું પ્રદર્શન કરનાર તત્વો સામે અલગથી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરાના પાદરા ટાઉનમાં ગત રોજ ઇદના પર્વનિમિતે મુસ્લીમ સમુદાય દ્વારા ઈદનું જૂલુસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન અંબાજી તળાવ પાસે કેટલાક હિંદુ યુવકો પ્રસાદનું વિતરણ કરતા હતા. ત્યારે વાંધાજનક ઈશારા કરીને ડીજેમાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડતા મામલો બીચકયો હતો. બે કોમના ટોળાઓ સામસામે આવી જતા મામલો બીચક્યો હતો.
આ ઘટના બાદ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે ઘટના સંદર્ભે પાદરા પોલીસે 13 લોકો વિરુદ્ધ નામ જોગ અને 40ના ટોળા વિરુદ્ધ રાયોટીંગ અને ચેનની લૂંટની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી 22 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કર્યા છે. આ દરમિયાન વધુ એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જ્યાં જૂલુસમાં શામેલ કેટલાક યુવકો તલવારના કરતબો કરતા નજરે ચઢ્યા છે. ખુલ્લી તલવારો અને મારક હથિયારો સાથે નાચી રહેલા યુવકોનો વિડીયો સામે આવતા પોલીસે તેઓ સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે જૂલુસમાં હથિયારોનું પ્રદર્શન શા માટે? શાંતિપૂર્ણ આયોજન હોય તો તલવાર સહીત મારક હથિયારો સાથે યુવકો ઝુલુસમાં શું કરતા હતા? શું હથિયારો સાથે રાખીને વાતાવરણ ડહોળવાનું પૂર્વ આયોજિત કાવતરું હતું? આ તમામ પાસાઓની તપાસ થાય તો સાચા આરોપીઓ સામે આવી શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
