Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ યુગમાં છેતરપિંડી આચરવા માટે ભેજાબાજો નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે સાવલીમાં RTO ચલણના નામે એક નાગરિક સાથે રૂ. 14.90 લાખની મોટી સાયબર ઠગાઈ આચરવામાં આવી છે.
RTO ચલણની એપીકે ફાઈલ ખોલતા જ ફોન હેક થઈ ગયો
અજાણ્યા સાયબર ઠગોએ પીડિતના વોટ્સએપ પર 'RTO CHALLAN' નામની એક APK ફાઈલની લિંક મોકલી હતી. ભોગ બનનાર વ્યક્તિએ આ લિંક પર ક્લિક કરતાં જ તેમના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હતી. ફાઈલ ડાઉનલોડ થતાં જ ભેજાબાજોએ પીડિતના મોબાઈલનો તમામ એક્સેસ દૂર બેઠા મેળવી લીધો હતો. જે બાદ ઠગોએ બેંકિંગ વિગતો મેળવીને ટુકડે-ટુકડે બેંક ખાતામાંથી કુલ ₹14 લાખ 90 હજારની માતબર રકમ ઉપાડી લીધી હતી.
પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં જ તેમણે તાત્કાલિક સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે અજાણ્યા શખસો સામે આઈટી એક્ટ ની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી-કપુરાઈ રોડ પર પુરપાટ થારની ટક્કરે રાહદારી યુવકનું મોત
વડોદરાના નેશનલ હાઈવે 48 પર તરસાલી-કપુરાઈ બાયપાસ રોડ પરથી પુરપાટ ગતિએ પસાર થઈ રહેલી થારના ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો પોલીસે થારના ચાલકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
