અમદાવાદમાં પુરપાટ પલ્સરે મોપેડ ઉલાળ્યુંઃ નીચે પટકાયેલી પત્નીને 10 ફૂટ ઢસડી, પતિની નજર સામે જ દમ તોડ્યો; ઘટના CCTVમાં કેદ

શીલજ વિસ્તારમાં DPS કેનાલ રોડ પર એક પલ્સર બાઈકે મોપેડને ટક્કર મારતા નીચે પટકાયેલી યુવતીનું તેના પતિની સામે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં યુવતી ટક્કર બાદ મોપેડ સાથે 10 ફૂટ ઢસડાતી જોઈ શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 12 Sep 2026 08:21 PM (IST)Updated: Sat, 12 Sep 2026 08:21 PM (IST)
ahmedabad-road-accident-pulsar-hits-newlywed-woman-in-front-of-husband-tragic-cctv-footage-emerges

Ahmedabad Road Accident: શહેરના શીલજ વિસ્તારમાં પલ્સર બાઈકના ચાલકે સામેથી આવતા મોપેડને ટક્કર મારતા નીચે પટકાયેલી યુવતીનું તેના પતિની નજર સામે જ દર્દનાક મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.


પુરપાટ બાઈકની ટક્કરથી નીચે પટકાયેલી યુવતી 10 ફૂટ ઢસડાઈ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બોપલમાં રહેતા નિશિબેન દરજી મોડી રાતે પોતાના મોપેડ પર DPS કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે માધવ કોમ્પલેક્સ નજીક તેઓ ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે સામેથી પુરપાટ ગતિએ આવી રહેલ પલ્સર બાઈકે તેમના મોપેડને ટક્કર મારી હતી.

અમદાવાદમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજા ફરી હાજરઃ સમી સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

બાઈકની ટક્કરથી નીચે પટકાયેલા નિશીબેન રોડ પર પોતાના મોપેડ સાથે 10 ફૂટ ઢસડાયા હતા. આ અકસ્માતમાં નિશિબેનને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. આ મામલે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક નિશિબેનના આજથી બે મહિના પહેલા જ બોપલમાં રહેતા હાર્દિક દરજી (30) નામના કોરિયોગ્રાફર સાથે થયા હતા. અકસ્માત સમયે નિશિબેનના પતિ હાર્દિક પણ તેમની સાથે જ અલગ બાઈક પર હતા. મોડી રાતે હાર્દિક દરજી પોતાના બાઈક પર અને નિશિબેન મોપેડ લઈને ગરબા ક્લાસમાંથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે DPS કેનાલ રોડ પર તેમનો કાળ સાથે ભેટો થઈ ગયો હતો.

જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, પરંતુ તેની પાછળ બેઠેલા વ્યક્તિને પકડીને લોકોએ પોલીસને હવાલે કર્યો છે. જ્યારે બાઈક ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.