Ahmedabad Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે દિવસભર ભડકા જેવા તડકા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આખરે એક મહિનાના વિરામ બાદ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને હાલાકી
સાંજે અચાનક શહેરના ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના પરિણામે વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ કરીને નોકરિયાતોને કામકાજના સ્થળેથી ઘરે જતી વખતે પલળવાનો વારો આવ્યો હતો.
અમદાવાદના રાણીપ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, થલતેજ, નારોલ, ઈસનર, મણિનગર, દાણીલીમડા, વસ્ત્રાપુર, ખાડિયા, માણેકચોક અને પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતુ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકળાટથી રાહત મળી છે.
જણાવી દઈએ કે, અમદાવાદમાં છેલ્લે 12 ઓગસ્ટની આસપાસ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જ્યારે અત્યાર સુધી અમદાવાદમાં સિઝનનો સરેરાશ 24.54 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. એમાં પણ ખાસ કરીને શહેરના જોધપુર અને મક્તમપુરામાં જ સૌથી વધુ 29 ઈંચ વરસાદ પડ્યો છે. જો કે હજુ પણ શહેરમાં 10 ટકા વરસાદની ઘટ છે.
