SSG Hospital Human Milk Bank: મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના બાળરોગ વિભાગ હેઠળ કાર્યરત 'હ્યુમન મિલ્ક બેંક'ને તેની અતિ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ રીજનલ લેવલની પરિષદમાં શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સંસ્થાએ પુરસ્કાર મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યુ
આ પણ વાંચો
વાજવા રોડ સ્થિત SIHF ખાતે યોજાયેલ 'રીજનલ ગ્રિપ સમિટ' માં આ સંસ્થાએ સમગ્ર ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને હોસ્પિટલ તેમજ સમગ્ર વડોદરાનું નામ રોશન કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે વિગતો આપતા SSG હોસ્પિટલના પ્રાધ્યાપક અને બાળરોગ વિભાગના વડા ડૉ. ઓમપ્રકાશ શુક્લાએ જણાવ્યું હતું કે, અમારી આ NQAS સર્ટિફાઇડ 'મધર્સ ઓન મિલ્ક' મેડિકલ કોલેજ બરોડા અને એસએસજી હોસ્પિટલમાં છેલ્લાં પાંચેક વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
'હ્યુમન મિલ્ક બેંક'ને ફર્સ્ટ પ્રાઇઝ એનાયત કરાયું
તેઓએ જણાવ્યું કે, વર્ષ 2023માં અમારી આ પહેલી સંસ્થા હતી. જેને નેશનલ લેવલનું ક્વોલિટી સર્વિસનું સર્ટિફિકેશન મળેલું હતું. તેના જ અનુસંધાનમાં આજવા રોડ ખાતે યોજાયેલ 'રીજનલ ગ્રિપ સમિટ'માં અમને પ્રથમ સ્થાન મળ્યું છે અને ફર્સ્ટ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. બાળરોગ વિભાગ દ્વારા દરેક ક્ષેત્રમાં કરાતી સઘન અને શ્રેષ્ઠ કામગીરીના પરિણામે જ આ મહત્વપૂર્ણ એવોર્ડ શક્ય બન્યો છે.
'હ્યુમન મિલ્ક બેંક' શિશુઓ માટે સંજીવની સમાન
ઉલ્લેખનીય છે કે, એસ.એસ.જી. હોસ્પિટલની આ હ્યુમન મિલ્ક બેંક છેલ્લા પાંચ વર્ષથી ત્યજી દેવાયેલા, અનાથ, સમય કરતાં વહેલા જન્મેલા કે જે માતાઓને પૂરતું દૂધ ન આવતું હોય તેવા ગંભીર પરિસ્થિતિમાં રહેલા નવજાત શિશુઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે. રાષ્ટ્રીય કક્ષાનું NQAS ગુણવત્તા સર્ટિફિકેશન ધરાવતી આ બેંકમાં આરોગ્ય અને સ્વચ્છતાના તમામ ઉચ્ચ માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
રીજનલ ગ્રિપ સમિટમાં મળેલ આ પ્રથમ પુરસ્કાર બાળરોગ વિભાગના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓની દિવસ-રાતની મહેનત તથા નિષ્ઠાનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ તબીબી આલમ અને સમગ્ર વડોદરાવાસીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
