Vadodara News: વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર હોટલના ધંધાની આડમાં ચાલતા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારનો કપૂરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાઈવે પર આવેલી 'આપેશ્વર મહાદેવ હોટલ'માં દરોડો પાડીને રૂ. 3.17 લાખની કિંમતનો 21.155 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મૂળ રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
21.155 કિલોગ્રામ પોષડોડાનો મોટો જથ્થો મળી આવ્યો
આ પણ વાંચો
કપૂરાઈ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે-48 પર આવેલી આપેશ્વર મહાદેવ હોટલનો સંચાલક હોટલના વ્યવસાયની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થ પોષડોડાનો ગેરકાયદેસર સંગ્રહ કરીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે પંચોને સાથે રાખીને હોટલ પર અચાનક રેડ પાડી હતી. પોલીસે હોટલના પરિસરમાં સઘન તપાસ હાથ ધરતા હોટલના સ્ટોરેજ રૂમ તેમજ પાછળના ભાગે સંતાડીને રાખેલો 21.155 કિલોગ્રામ પોષડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
નેટવર્કમાં સામેલ અન્ય એક આરોપી ફરાર
પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 3,17,325ની કિંમતનો પોષડોડાનો જથ્થો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સ્થળ પરથી મૂળ રાજસ્થાનના રહેવાસી 50 વર્ષીય ભાગારામ બિશ્નોઈની અટકાયત કરીને તેની કાયદેસરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કમાં સામેલ અન્ય એક આરોપી આશુ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે, જે પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો.
કપૂરાઈ પોલીસે પકડાયેલા ભાગારામ બિશ્નોઈ અને ફરાર આશુ બિશ્નોઈ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ પોષડોડાનો જથ્થો રાજસ્થાનથી કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં કોને સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પોલીસે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત, ફરાર આરોપી આશુ બિશ્નોઈને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
