સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓ પર ભડક્યા પાદરાના ધારાસભ્ય; જાહેર મંચ પરથી આપી ખુલ્લી ચેલેન્જ

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ લોકડાયરામાં સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે પદની મર્યાદા નડતી હોવાથી તેઓ જવાબ નથી આપતા, પરંતુ હિંમત હોય તો સામે આવીને વાત કરે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 12:11 PM (IST)Updated: Sun, 29 Nov 2026 12:11 PM (IST)
padra-mla-chaitanyasinh-zala-challenges-social-media-trolls

Vadodara News: પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાના આક્રમક અંદાજ અને નિવેદનોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પાદરા ખાતે આયોજિત લોકડાયરાના એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ અને ગાળો લખનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા.

‘માયકાંગલાઓનો વિરોધ ન થાય, હિંમત હોય તો સામે આવો’

પાદરામાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધતા ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "જેના કામ બોલતા હોય અને જેનું વર્ચસ્વ હોય તેનો જ વિરોધ થતો હોય છે, માયકાંગલાઓનો ક્યારેય વિરોધ ન થાય." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર પાદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ બિભત્સ ગાળો લખવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકશાહીમાં તેમની કામગીરીની ટીકા કે આલોચના થાય તેની સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ અભદ્ર ભાષાનો પ્રયોગ સાંખી લેવામાં આવશે નહીં.

‘પદની મર્યાદા નડે છે, બાકી જવાબ આપતા અમને પણ આવડે છે’

ટ્રોલર્સને ખુલ્લો પડકાર ફેંકતા ધારાસભ્યએ આક્રમક શબ્દોમાં કહ્યું હતું કે, "ગાળો લખનારાઓમાં જો હિંમત હોય તો પડદા પાછળ છુપાવાને બદલે રૂબરૂ સામે આવીને વાત કરે." તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર લખતા અમને પણ આવડે છે અને તેમાં અમે તેમનાથી પણ આગળ છીએ, પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે અમને પદ અને સંસ્કારની મર્યાદા નડે છે, જેના કારણે અમે તેમની ભાષામાં જવાબ આપી શકતા નથી.

અગાઉ રાહુલ ગાંધીને પણ આપી હતી ચર્ચાની ચેલેન્જ

ઉલ્લેખનીય છે કે, ચૈતન્યસિંહ ઝાલા આ અગાઉ પણ પોતાના નિવેદનોથી સુરખીઓમાં રહી ચૂક્યા છે. થોડા દિવસો પૂર્વે પાદરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તે સમયે ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન સાથે ચર્ચા કરવાની વાત કરે છે, પરંતુ તે પહેલાં તેમણે મારી સાથે અથવા મારા મતવિસ્તારના કોઈ સામાન્ય કાર્યકર સાથે ચર્ચા કરવી જોઈએ, જે તેમને તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે પૂરતા છે. હાલ તેમનું લોકડાયરાનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે।