Vadodara News: પાદરામાં યોજાયેલા મોભા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વિવાદાસ્પદ નિવેદનોથી તાલુકા તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પૂર્વે રાજકીય તાપમાન અત્યંત વધ્યું છે. કાર્યક્રમમાં તેમણે વિરોધ પક્ષ કોંગ્રેસ પર કટાક્ષ કરતા વિકાસ કાર્યો રોકવાના આરોપ લગાવ્યા હતા તેમજ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને લઈને પણ તીખી ટિપ્પણીઓ કરી હતી.
કાર્યક્રમમાં તેમણે સંવેદનશીલ બાબત ઉઠાવતાં જણાવ્યું કે પાદરા તાલુકાના ભોજ ગામમાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક વિદેશી નાગરિકો જોવા મળ્યા હતા, જેમનો કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે “દેશની સુરક્ષા અને સ્થિરતા માટે ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે કાર્યવાહી અનિવાર્ય છે.”
આ પણ વાંચો
આ નિવેદન બાદ રાજકીય મંચો પર ભારે ચર્ચા શરૂ થઈ છે. વિપક્ષે ઝાલાના નિવેદનોને ઉશ્કેરણીજનક અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવતા તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જ્યારે સત્તાધારી પક્ષે તેને વિકાસ કાર્યોની હકીકત રજૂ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
ધારાસભ્ય ઝાલાએ પોતાના ભાષણમાં વધુ જણાવ્યું કે તાલુકા, જિલ્લા પંચાયતથી લઈને રાજ્ય અને કેન્દ્ર સુધી સર્વત્ર ભાજપ સરકાર હોવાને કારણે પાદરામાં વિકાસકાર્યોએ ગતિ પકડી છે. તેમણે આક્ષેપ કર્યો કે “જુઠ્ઠું અને જોરથી બોલનારા” લોકો પોતાના નામે વિકાસનું જશ લેવાનું પ્રયત્ન કરે છે, જ્યારે વર્ષો સુધી પાદરા–જંબુસર હાઈવેના નિર્માણમાં વિલંબ માટે તેઓને જ જવાબદાર ગણાવ્યા. ઝાલાએ કહ્યું કે પૂર્વ કોંગ્રેસ સરકારના સમયમાં આ રોડ વર્ષો સુધી અટક્યો રહ્યો, જ્યારે હાલમાં શાસનમાં આવેલા ભાજપ દ્વારા જ આ માર્ગને ફોર લેન બનાવી પૂર્ણ કરવામાં આવ્યો છે. પાણીની તંગી અંગે બોલતા તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના સમયમાં પાદરાને પૂરતું પીવાનું પાણી મળતું ન હતું, જ્યારે હાલની સરકાર દ્વારા સમસ્યા હલ કરવામાં આવી છે. ચૂંટણીઓની ગરમાવો વચ્ચે ઝાલાના આ નિવેદનોથી પાદરા વિસ્તારમાં રાજકીય હવામાન વધુ તીખું બન્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બનવાની શક્યતા છે.
