Vadodara: વડોદરા જિલ્લાના પાદરામાં પડોશમાં રહેતા એક યુવાને પરિણીતા સાથે મિત્રતા કેળવી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતાં પાદરા પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા વિસ્તારમાં રહેતાં પૂનમબેન (નામ બદલ્યું છે) પરિણીત છે. તેમના પડોશમાં જ રહેતા ઓમકાર ઉર્ફે ઓમ તેજલકુમાર ગાંધી નામના યુવાન સાથે તેમનો પરિચય થયો હતો. પાડોશી હોવાના નાતે બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો અને ઓમ પરિણીતાને અવારનવાર મળવા માટે બોલાવતો હતો. ઓમ પર વિશ્વાસ મૂકીને પૂનમબેન તેની વાતમાં આવી જતા હતા.
ગત 27 ડિસેમ્બર 2024ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે ઓમે પૂનમબેનને મળવા બોલાવ્યા હતા. જેથી પૂનમ મળવા જતાં ઓમે તેને સમજાવી-ફોસલાવીને પાદરાના જાસપુર રોડ પર આવેલી 'હોટલ રોયલ સિટી'ના રૂમમાં લઈ ગયો હતો. હોટલના રૂમમાં પહોંચ્યા બાદ પૂનમને ઓમના બદઈરાદાનો ખ્યાલ આવી જતાં તેઓ ઘરે જવા માંગતા હતા, ત્યારે આરોપીએ ફરિયાદી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીરસબંધ બાંધીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.
આ ઘટનાથી અત્યંત ગભરાયેલા પૂનમબેન જેમ-તેમ ઘરે પહોંચ્યા હતા. સમાજમાં આબરૂ જવાની બીક અને ડરના કારણે તેમણે શરૂઆતમાં આ બનાવ અંગે પરિવાર કે સગા-સંબંધીઓને કોઈ વાત કરી ન હતી. જો કે દુષ્કર્મ આચર્યા બાદ પણ આરોપી ઓમ સુધર્યો ન હતો. પડોશમાં જ રહેતો હોવાથી ફરિયાદી તેની સાથે વાતચીત ન કરતા હોવા છતાં, તે અવારનવાર તેમની સામે ઇશારા કરીને બોલાવવાનો પ્રયાસ કરતો હતો.
આરોપીની સતત વધી રહેલી પજવણી અને ફરીથી કોઈ અપ્રિય ઘટના કે દુષ્કર્મનો ભોગ ન બનવું પડે તે હેતુથી પૂનમબેને આખરે હિંમત ભેગી કરી પોતાના પતિને સમગ્ર આપવીતી જણાવી હતી. આ બનાવની ગંભીરતા સમજી પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પાદરા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી, આરોપી ઓમકાર ઉર્ફે ઓમ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
