Vadodara Crime News: વડોદરા શહેર અને જિલ્લામાં હિંસા અને ઘર્ષણની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. એક તરફ કરજણ તાલુકામાં લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણ સર્જાઈ છે, તો બીજી તરફ વડોદરા શહેરમાં જૂની અદાવતમાં એક જ પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બંને વિસ્તારોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને વધુ તપાસ હાથ ધરી છે.
કરજણ: ભરથાણા ગામમાં વરઘોડા મામલે જૂથ અથડામણ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામમાં આદિવાસી પરિવારના આંગણે લગ્નનો અવસર હતો, અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો જ્યારે ગામના નક્કી કરેલા રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈ બાબતે દરબાર અને આદિવાસી સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, અને બંને પક્ષના ટોળેટોળા સામસામે આવી જતાં જોરદાર ધક્કામુક્કી તેમજ હોબાળો થયો હતો. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. વેપારીઓએ પણ પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા.
આ ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો અને મામલો થાળે પાડ્યો હતો. ગામમાં હાલ શાંતિ છે અને અનિચ્છનીય બનાવ અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વધુમાં, આ મામલે CCTV અને વીડિયોના આધારે તપાસ કરીને એટ્રોસિટી (Atrocity) તેમજ રાયોટિંગ (Rioting) હેઠળ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.
કલાલી: બાપુનગરમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો
બીજી ઘટના વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા બાપુનગરમાં બની છે, જ્યાં મોડી રાત્રે જૂની અદાવતનો બદલો લેવા માટે એક ટોળાએ એક જ પરિવારના સભ્યો પર ઘાતકી હુમલો કર્યો હતો. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હુમલાખોરો તલવાર, છરી અને અન્ય તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા અને પરિવારના સભ્યો પર આડેધડ ઘા ઝીંક્યા હતા.
ચીસાચીસ થતાં હુમલાખોરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે અટલાદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો કે, સામેનો પક્ષ લાંબા સમયથી તેમને હેરાન કરતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરી છે. હાલ અટલાદરા પોલીસે તમામ CCTV ફૂટેજ કબજે કરીને અલગ-અલગ ટીમો બનાવી હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના જૂની અદાવતનું જ પરિણામ હોવાનું ખૂલ્યું છે.
