Vadodara Food Safety Raid: વડોદરા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે 12 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરો અને 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' (FSW) ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ પખવાડિયા દરમિયાન તંત્ર દ્વારા કુલ 186 જેટલી ફૂડ બિઝનેસ પેઢીઓ અને ફૂડ સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી. સ્થળ પર કુલ 191 ફૂડ ટેસ્ટ કર્યા, જ્યારે જરૂરિયાત મુજબ 10 શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા. ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે કુલ 9 ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત કેટલીક અનિયમિતતા ધરાવતી પેઢીઓ સામે વ્યવસાય બંધ કરાવવાની તેમજ કેટલાક કિસ્સામાં સ્વૈચ્છિક રીતે વ્યવસાય બંધ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ બિઝનેસ ઓપરેટર્સને (FBOs) યોગ્ય સંગ્રહ, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઝુંબેશ અંતર્ગત કરજણ તાલુકાના રમણગામડી ખાતે આવેલી ચાલીસા ફૂડ્સ પેઢીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી 'રાધા માધવ કાઉ ઘી' (1 લીટર કમ્પોઝિટ પેક જાર) શંકાસ્પદ નમૂનો લેવામાં આવ્યો અને કુલ 344 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 28 બોક્સમાંથી 336 લીટર અને અન્ય એક બોક્સમાંથી 8 લીટર ઘીનો સમાવેશ થાય છે. પ્રતિ લિટર રૂ. 950 ના ભાવ મુજબ જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2.23 લાખ હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન અયોગ્ય રીતે સંગ્રહિત તેમજ સંપૂર્ણ અનહાઈજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા. સમગ્ર પખવાડિયામાં કુલ 305 કિલો અખાદ્ય અને વાસી પદાર્થોનો નાશ કર્યો હતો. જેમાં દાળ, મિશ્ર મસાલા, ખીરું, પીનટ બટર, કોફી, તૈયાર ખાદ્ય પદાર્થો, લાલ ચટણી, પાણીપુરીનો રગડો, બટાકા, ચાઈનીઝ નૂડલ્સ, ચાઈનીઝ વડીઓ, સોસ, સોયા સોસ, પોટેટો ફ્રાઈઝ, એક્સપાયર થયેલ ટોમેટો સોસ અને મંચુરિયન સહિતની ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
નાશ કરાયેલા આ ખાદ્ય પદાર્થોની બજાર કિંમત અંદાજે રૂ. 32 હજાર હતી. આ ઉપરાંત, કરનાળી-ચાંદોદ ખાતે યોજાયેલા અમાસના મેળા દરમિયાન પણ તંત્ર દ્વારા વિશેષ ખાદ્ય સુરક્ષા કામગીરી કરી હતી. મેળામાં 38 ફૂડ સ્ટોલની ચકાસણી કરી 72 ફૂડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે કુલ ૬6 તાલીમ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 131 સહભાગી જોડાયા હતા.
