વડોદરામાં લૂઝ તેલના ધંધાના કાળા કારોબાર પર પાલિકાનો સપાટો, અનેક વિસ્તારોમાં ફૂડ વિભાગની ચેકિંગ કાર્યવાહી

ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે માલિક પાસે ફૂડનું સેન્ટ્રલ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 20 Nov 2025 03:05 PM (IST)Updated: Thu, 20 Nov 2025 03:05 PM (IST)
vadodara-news-food-officials-conduct-surprise-checks-across-suspicious-oil-samples-seized

Vadodara News: વડોદરામાં લૂઝ તેલના કાળા કારોબારમાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહીને અંજામ આપતા વેપારીઓમાં ભારે ખળભળાટ મચ્યો છે. માહિતીના આધારે ફૂડ સેફ્ટી અધિકારીઓએ શહેરના અનેક વિસ્તારોમાં અચાનક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ચોખંડી, ખોડિયાર નગર, સયાજીગંજ સહીતના વિસ્તારની દુકાનોમાં થયેલી તપાસ દરમિયાન અનેક ગડબડીઓ સામે આવી રહી છે.

ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે માલિક પાસે ફૂડનું સેન્ટ્રલ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું. આ દુકાન શહેરમાં મોટા પ્રમાણમાં લૂઝ ખાદ્ય તેલનું વિતરણ કરતી હોવાનું ફૂડ અધિકારીઓએ ઓળખ્યું. આશ્ચર્યજનક રીતે, અમદાવાદથી કાર્યરત સેન્ટ્રલ ફૂડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ આ સમગ્ર ગેરકાયદેસર વ્યવહાર ધમધમી રહ્યો હોવાની ચર્ચાઓ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે.

ફૂડ સેફ્ટી વિભાગના અચાનક દરોડાના સમાચાર ફેલાતા જ તેલના વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો. અનેક વેપારીઓએ રાત્રોરાત દુકાનોમાંથી જૂના તેલના ડબ્બા ગાયબ કરી નાખ્યા હતા. જ્યારે અધિકારીઓ તપાસ કરવા ફરીયા ત્યારે ઘણા સ્થળે શંકાસ્પદ ડબ્બા અગાઉથી જ દૂર કરી દેવાયા હતા. આ ઘટનાને લઈને નાગરિકોમાં ઉક્તિ ઉઠી છે કે આ તો ‘ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા’ જેવો કિસ્સો છે.

ખાદ્ય તેલના નમૂનાઓ સંગ્રહ કરીને તેને લેબમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફૂડ અધિકારીઓએ જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે લૂઝ તેલ વેચતાં વેપારીઓ સામે કડક પગલાં લેવાશે અને લાયસન્સ વગર અથવા ભેળસેળવાળા તેલ વેચાણ કરનાર કોઈને છોડવામાં નહીં આવે. શહેરમાં વધી રહેલા ભેળસેળના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે આગળ પણ આ પ્રકારની અચાનક તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ કાર્યવાહી બાદ નાગરિકોમાં સંતોષ તથા વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખોરાક શાખાની આ કાર્યવાહી ભવિષ્યમાં ભેળસેળ સામે રોકથાંભા રૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.