Vadodara Hina Pethani murder case: સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર વડોદરાના હિના પેથાણી હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. પત્નીની હત્યા કરી મૃતદેહને કબાટમાં છુપાવવા અને પોતાના જ પુત્રને ત્યજી દેવાના ગુનામાં આરોપી સચિન દીક્ષિતને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
ક્યાંથી શરૂ થઈ સચિન-હિનાની લવ સ્ટોરી?
આ સમગ્ર કેસની મળતી વિગત અનુસાર, પરણિત સચિન દીક્ષિત અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની મુલાકાત અમદાવાદના એક શોરૂમમાં થઈ હતી. સમય જતાં પ્રેમમાં પડ્યા બાદ તેઓ સાથે રહેવા લાગ્યા હતા. વર્ષ 2020માં હિનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. વડોદરામાં નોકરી મળ્યા બાદ સચિન અને હિના પુત્ર સાથે ફ્લેટ ભાડે રાખી રહેતા હતા.
બેવડી જિંદગી જીવતો હતો આરોપી સચિન
આરોપી સચિન અઠવાડિયાના પાંચ દિવસ વડોદરામાં મહેંદી સાથે રહેતો, અને શનિ-રવિ ગાંધીનગરમાં પોતાના માતા-પિતા અને મૂળ પત્ની સાથે રહેતો હતો. હત્યાના બનાવના દિવસે સચિનને પરિવાર સાથે વતન જવું હતું, પરંતુ હિનાએ તેનો વિરોધ કરી હંમેશા સાથે રહેવાની જીદ કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ, અને અંતે સચિને હત્યાને અંજામ આપ્યો હતો.
હિના પેથાણીની હત્યા, લાશ બેગમાં પેક કરી
આશરે ચાર વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી સચિને તેની લિવ-ઈન પાર્ટનર મહેંદી ઉર્ફે હિના પેથાણીની વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલ દર્શનમ ઓએસીસ ફ્લેટમાં ગળું દબાવીને હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ હિનાના મૃતદેહને એક બેગમાં પેક કરીને રસોડાના કબાટમાં છુપાવી દીધો હતો.
ગાંધીનગરની ગૌશાળા પાસે પુત્રને તરછોડ્યો
બીજી તરફ હત્યા કર્યા બાદ સચિન પોતાના 10 મહિનાના પુત્રને લઈને ગાંધીનગર પહોંચ્યો અને 7 ઓક્ટોબર, 2021 ની રાત્રે પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળાના પગથિયા પર માસૂમને બિનવારસી હાલતમાં તરછોડી દીધો હતો. જે બાદ આરોપી પોતાના પરિવાર સાથે UP જવા નીકળી ગયો હતો, પરંતુ પોલીસે તેને અધવચ્ચેથી ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: Vadodara: ગોત્રી ગાર્ડનમાં યુવતી પર વિધર્મી યુવકે કર્યો હુમલો, લગ્ન માટે ના પાડતા જાહેરમાં માર માર્યો
આરોપીને આજીવન કેદ, બાળક માટે વળતર
વડોદરા પોલીસે મજબૂત પુરાવા અને સાક્ષીઓના આધારે કેસ રજૂ કર્યો, અને વડોદરા સેશન્સ કોર્ટે આ કૃત્ય અત્યંત ક્રૂરતાપૂર્વક આચર્યું હોવાનું અવલોકન કર્યું હતું. વડોદરા સેશન્સ કોર્ટે સચિન દીક્ષિતને આજીવન કેદની સજાની સાથે 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ ઉપરાંત, કોર્ટે 'ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ બાળક શિવાંશને વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. આ વળતરની રકમ બાળકના નામે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવશે, અને તે 18 વર્ષનો થશે ત્યારબાદ તેને આ રકમ મળશે.
