Vadodara: વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલની (SMC)ની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સઘન દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, બિયર અને વાહનો સહિત કુલ રૂ. 50,21,999નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SMCની આ રેડથી સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સખત સૂચનાઓના ભાગરૂપે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કરજણ ગામમાં એસ.ટી. ડેપોની સામે આવેલ ઠાકોરવાસ, જોગણી માતાના મંદિર પાસે આવેલ આરોપીઓના મકાનો તેમજ સોસાયટીમાં અલગ-અલગ જગ્યાએ પાર્ક કરેલા વાહનો પર અચાનક આકસ્મિક રેઈડ કરી હતી.
આ દરોડામાં રૂ. 26,61,999ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે વપરાતા 11 વાહનો, 5 મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂ. 50,21,999નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહેન્દ્રકુમાર જીતુભાઈ ઠાકોર, પ્રશાંતકુમાર વિસરામભાઈ શાંખલા અને અક્ષયકુમાર જસવંતભાઈ વસાવા (તમામ રહે. કરજણ, જિ. વડોદરા) નો સમાવેશ થાય છે.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ચિરાગ રાજુભાઈ ઠાકોર (રહે. કરજણ), એક અજાણ્યો શખ્સ (ડી.કે. નામનો ઇસમ) તથા પકડાયેલા વાહનોના અસલી માલિક કે કબજેદારને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ દ્વારા નાસતા ફરતા આ તમામ આરોપીઓને ઝડપી પાડવા અને આ મોટા રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
