Surat Businessman Diwali Bonus: દિવાળીના તહેવાર નિમિત્તે મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને મીઠાઈ, ગિફ્ટ હેમ્પર અથવા રોકડ બોનસ આપીને તહેવારની ખુશીઓ વહેંચતી હોય છે. જોકે સુરતના એક કાપડના વેપારીએ કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરવા માટે કંઈક અલગ જ અંદાજ અપનાવ્યો છે. સુરતમાં કાપડ વેપારીએ પોતાના 20 કર્મચારીઓને દિવાળી પર એટલું જંગી બોનસ આપ્યું કે તેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
સુરતના વરાછા સ્થિત સુદામા ચોકમાં આવેલી મહાદેવ ક્લોથ સેન્ટરના માલિકે કર્મચારીઓને અનોખી રીતે રોકડ ભેટ આપી હતી. તેમણે ચમકદાર પૂજાની થાળીઓમાં ચલણી નોટોના ઢગલા સજાવીને દરેક કર્મચારીને તેમની પત્નીના હસ્તે રૂ. 1 લાખથી વધુની રકમનું બોનસ અર્પણ કર્યું હતું. આ અનોખી ભેટ મળતાં કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ખુશીનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર આયોજનમાં નોટો ગોઠવવાની ખાસ રીત પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. થાળીઓમાં રૂ. 10, રૂ. 20, રૂ. 50, રૂ. 100, રૂ. 200 અને રૂ. 500ના દરની નવી અને કડકડતી નોટોના અનેક બંડલ સુંદર રીતે ગોઠવવામાં આવ્યા હતા. ચલણી નોટોથી ભરેલી વિશાળ થાળીઓ જોઈને કર્મચારીઓ પણ થોડા સમય માટે અવાક થઈ ગયા હતા. વર્ષભરની મહેનતનું આવું અનોખું સન્માન મળતાં અનેક કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં હતાં.
પોતાના આ નિર્ણય અંગે વેપારી રામસ્વરૂપ મુંડેએ જણાવ્યું કે, તેમના માટે દુકાનમાં કામ કરતા લોકો માત્ર કર્મચારીઓ નથી, પરંતુ પરિવારના સભ્યો સમાન છે. આખું વર્ષ કર્મચારીઓની મહેનત અને પરસેવાના કારણે વેપાર આગળ વધે છે, ત્યારે દિવાળીના પવિત્ર તહેવાર પર તેમના પરિવારમાં આર્થિક મુશ્કેલી ન રહે તે પણ પોતાની જવાબદારી હોવાનું તેઓ માને છે. દરેક કર્મચારી પોતાના પરિવાર સાથે મનભરીને તહેવારની ખરીદી કરી શકે અને તેમના ઘરમાં ખુશીઓ આવે, એ જ આ બોનસ પાછળનો મુખ્ય હેતુ હતો.
કર્મચારીઓને નોટોથી ભરેલી થાળીઓ આપતો આ વીડિયો હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વીડિયો શેર કરવાની સાથે વેપારીની ઉદારતાના વખાણ પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, કર્મચારીઓનું આવું સન્માન કરનારા માલિક ખરેખર મળવા મુશ્કેલ છે. તો કેટલાક લોકોએ રમૂજી અંદાજમાં સુરતની આ દુકાનનું સરનામું પૂછવાનું શરૂ કર્યું છે, જેથી આગામી વર્ષે તેમને પણ આવી જગ્યાએ નોકરી કરવાની તક મળે. સુરતના આ કાપડ વેપારીની ઉદારતા હાલ શહેરમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.
