ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ: સુરતની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂંક કરાઈ

ડૉ. પૃથુલ દેસાઈને ગુજરાત યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ હતા અને 31 વર્ષથી વધુનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Nov 2026 04:35 PM (IST)Updated: Sat, 07 Nov 2026 04:35 PM (IST)
dr-pruthul-desai-appointed-as-new-vicechancellor-of-gujarat-university

Dr Pruthul Desai Gujarat University VC: ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટકી પડેલી કાયમી કુલપતિ (વાઈસ ચાન્સેલર)ની નિયુક્તિ પર આખરે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. જે અંતર્ગત સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ દેસાઈને ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન ઈન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીનું સ્થાન લેશે અને યુનિવર્સિટીના વહીવટની જવાબદારી સંભાળશે.

આ નિમણૂંક 'ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023'ની કલમ 10(4) હેઠળ રાજ્યપાલના નામે કરવામાં આવી છે. ડૉ. પૃથુલ દેસાઈનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી આગામી પાંચ વર્ષ સુધી અથવા તો તેમની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી (બેમાંથી જે વહેલું હોય તે) પ્રમાણે રહેશે.

ભૌતિકશાસ્ત્ર (Physics)ના પ્રોફેસર અને અનુભવી શિક્ષણશાસ્ત્રી ડૉ. દેસાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 31 વર્ષથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે, જેમાં 14 વર્ષ કરતાં વધુ સમય સુધી કોલેજના પ્રિન્સિપાલ તરીકે સેવા આપવાનો અનુભવ સામેલ છે.

તેમના નેતૃત્વ હેઠળ, સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સે વર્ષ 2014માં NAAC તરફથી 3.03 CGPA સાથે 'A' ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો, ત્યારબાદ 2022માં વધુ સુધારા સાથે 3.35 CGPA સાથે 'A+' ગ્રેડ મેળવ્યો હતો.

આ ઉપરાંત, આ સંસ્થાએ વર્ષ 2020થી 2022 દરમિયાન સતત ત્રણ વર્ષ સુધી 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત' (KCG) તરફથી ફાઈવ-સ્ટાર રેટિંગ મેળવ્યું હતું અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તેને 'કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સેલન્સ' તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી.

પ્રિન્સિપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સંસ્થાના વિકાસ માટે વિવિધ એજન્સીઓ તરફથી Rs 802.92 લાખથી વધુની ગ્રાન્ટ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત એક રિસર્ચ પ્રોજેક્ટ માટે પણ UGC તરફથી રૂ. 11.27 લાખનું ફંડ મળ્યું હતું. ગુજરાતની આ અગ્રણી યુનિવર્સિટીમાં તેમની નિમણૂકથી શૈક્ષણિક નેતૃત્વ, સંસ્થાકીય વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે નવા સુધારાઓના અમલીકરણની મોટી અપેક્ષાઓ સેવાઈ રહી છે.