અમદાવાદમાં જમવા બાબતે ઉગ્ર ઝઘડો: રસોઈની તકરારમાં પત્નીએ નિવૃત્ત આર્મીમેન પતિની છાતીમાં છરી ભોંકી કરી હત્યા!

અમદાવાદના નરોડામાં જમવા બેસતી વખતે રસોઈ બાબતે બોલાચાલી થતાં પત્નીએ છાતીમાં છરી ભોંકી નિવૃત્ત આર્મીમેન પતિની હત્યા કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 03:48 PM (IST)Updated: Sat, 07 Nov 2026 03:48 PM (IST)
ahmedabad-naroda-murder-case-retired-armyman-killed-by-wife

Naroda Murder Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક સોસાયટીમાં ઘર કંકાસ અને સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરુપ ધારણ કર્યું છે. રાત્રે જમવા બેસતી વખતે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડામાં પત્નીએ રસોડામાંથી અણીદાર છરી લાવી નિવૃત્ત આર્મીમેન પતિની છાતીના ડાબા ભાગે ભોંકી દેતાં પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું. આ મામલે નરોડા પોલીસે ત્વરિત કામગીરી કરીને પત્ની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

છરી લાવી છાતીમાં પરોવી દીધું

મળતી વિગત પ્રમાણે, શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં નિવૃત્ત આર્મીમેન દિલીપ સોમાજી ખરાડી અને તેમની પત્ની નિર્મલા સાથે રહેતા હતા. ગુરુવારના રોજ જમતી વખતે પતિ અને પત્ની વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝઘડો શરુ થઈ ગયો. જોકે, વિવાદ ખૂબ જ ગંભીર અને ઉગ્ર બની જતાં પત્ની નિર્મલા આવેશમાં આવી ગઈ હતી. અને ગુસ્સામાં પત્નીએ રસોડામાં જઈને હાથમાં ચપ્પુ લઈને પતિ દિલીપભાઈના છાતીના ભાગે ઘા ઝીંકી દીધું હતું.

સારવાર દરમિયાન મોત થયું

પત્નીના હિચકારા હુમલાથી દિલીપભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા ઈજાગ્રસ્તને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નિવૃત્ત આર્મીમેન અને પત્ની નિર્મલા વચ્ચે ઘર ખર્ચ અને રુપિયા બાબતે ઘરકંકાસ થતો હતો.

પત્ની સામે પોલીસ કાર્યવાહી

પોલીસ મુજબ, જ્યારે ઘટના બની ત્યારે પતિ અને પત્ની વચ્ચે રસોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવીને પત્નિએ છરીનો ઘા ઝીંકી દીધો હતો. બનાવની જાણ નરોડા પોલીસને થઈ ત્યારે તાત્કાલિક પત્ની નિર્મલા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને બનાવ અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.