અમદાવાદ: નરોડામાં યુવકની નિર્મમ હત્યા, 3-4 લોકોએ કર્યો હિચકારો હુમલો; 2 શખ્સોની ઓળખ થઈ

વહેલી સવારે સ્થાનિકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પડેલો જોઈને પોલીસને જાણ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 06:01 PM (IST)Updated: Mon, 02 Nov 2026 06:01 PM (IST)
naroda-jatin-solanki-murder-case-two-suspects-identified-ahmedabad-crime-news

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સંવિધાન સર્કલ નજીક આંબેડકરનગર પાસે સ્થિત કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર એક યુવકની 3-4 લોકોએ લાકડીઓ, ધોકા અને અન્ય હથિયારો વડે માર મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વહેલી સવારે સ્થાનિક લોકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પડેલો જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ નરોડા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. મૃતક યુવકની ઓળખ જતીન સોલંકી તરીકે થઈ છે, જે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો.

સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, નરોડામાં જ રહેતા 3 થી 4 લોકો દ્વારા જૂની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી, જેથી પરિવારજનો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા.

જી ડિવિઝન ACP વી. એન. યાદવના જણાવ્યા અનુસાર, નરોડા વિસ્તારમાં સંવિધાન સર્કલ પાસે ફૂટપાથ પર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેનો મેસેજ પોલીસને મળ્યો હતો. તેના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા મૃતક જતીન સોલંકી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ તેના ભાઈ ભાવેશને આ બાબતે જાણ કરવામાં આવી અને મૃતકની સત્તાવાર ઓળખ કરવામાં આવી હતી.

પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને હાલ 2 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બંને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નરોડા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી અને હત્યાનું મુખ્ય કારણ અકબંધ છે.

મૃતકના ભાઈ ભાવેશની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભાઈ ભાવેશે જણાવ્યું કે, "જતીન દરરોજ સાંજે 7 વાગ્યે ઘરની બહાર જતો હતો અને મોડી રાત્રે પાછો આવતો હતો. તે કયા સમયે ઘરે પાછો આવતો હતો તેની અમને કોઈ ચોક્કસ જાણ રહેતી નહોતી. ગઈકાલે રાત્રે પણ તે ઘરે આવ્યો ન હતો અને સવારે જ્યારે પોલીસનો ફોન આવ્યો ત્યારે જ આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જતીનને કોઈની સાથે દુશ્મની કે અદાવત હતી કે નહીં તેની અમનેકોઈ ખબર નથી."