Sanand Vinchiya Crime News: અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના વિંછીયા ગામે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં અંધશ્રદ્ધા અને કૌટુંબિક કલેશમાં એક પિતાએ જ પોતાના દસ વર્ષના માસૂમ દીકરાની માતાજીની દેરી આગળ પછાડીને અને લાકડીના ફટકા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ નરાધમ પિતા પુત્રના લોહીલુહાણ મૃતદેહની બાજુમાં જ ખાટલામાં સૂઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતક બાળકની માતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પતિના ત્રાસથી કંટાળી માતા પિયર ગઈ હતી
મળતી વિગતો અનુસાર, સાણંદના વિંછીયા ગામમાં 37 વર્ષીય ભારતીબેન પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના એકના એક દીકરા કરણ સાથે રહેતા હતા. આશરે દસ દિવસ અગાઉ ભારતીબેન અને તેમના પતિ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને ઢોર માર માર્યો હોવાથી તેઓ કંટાળીને પોતાના પિયર જતા રહ્યા હતા. જોકે, દીકરા કરણની શાળામાં પરીક્ષા ચાલતી હોવાને કારણે તેને પિતા નરેશ સાથે જ મૂકીને ગયા હતા.
પાડોશીએ ફોન કરીને જાણ કરી
1 નવેમ્બરની સાંજે પાડોશીએ ભારતીબેનને ફોન કરીને માહિતી આપી હતી કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે ઢોર માર માર્યો છે. આ સાંભળીને ભારતીબેન તેમના માતા, પિતા, ભાઈ અને ભાભી સાથે તાત્કાલિક વિંછીયા ગામે જવા રવાના થયા હતા. રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘર પાસે પહોંચ્યા ત્યારે ઘર નજીક આવેલી જોગણીમાતાની દેરી પાસે કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને તેની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું. જ્યારે બીજા ખાટલામાં તેનો પિતા નરેશ લોહીવાળા કપડાં સાથે આરામથી સૂઈ રહ્યો હતો.
'અમારા પછી ઘરમાં કોઈ ભૂવો ન થાય એટલે હત્યા કરી' – પિતાની ચોંકાવનારી કબૂલાત
ભારતીબેને જ્યારે પોતાના પતિ નરેશને દીકરાના મોત અંગે પૂછપરછ કરી ત્યારે તેણે આપેલા જવાબથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નરેશે ખુલાસો કરતા જણાવ્યું કે, "મારા પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી હું ભૂવો થયો છું. હવે મારા પછી આપણા ઘરમાં અન્ય કોઈ ભૂવો ન થાય તે માટે મેં કરણને બંને પગેથી પકડી માતાજીની દેરી આગળ 2 થી 3 વખત પછાડ્યો અને માથામાં લાકડીના ફટકા મારીને મારી નાખ્યો છે."
પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે
આ ઘોર અંધશ્રદ્ધા અને નિર્મમ હત્યા સાંભળીને ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા. બનાવની જાણ થતાં જ સાણંદ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો FSL ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. માતા ભારતીબેનની ફરિયાદના આધારે સાણંદ પોલીસે આરોપી પિતા નરેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
