પ્રશાંત ગજ્જર, Vadodara: વડોદરા શહેરમાં મદદ માટે DCPને ફોન કરનાર યુવક અને તેના ભાઈને પોલીસ સ્ટેશને ગોંધી રાખી માર માર્યાના ગંભીર આક્ષેપો મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠીયા સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. જો કે પીઆઈ કિરીટ લાઠીયાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ગત 4 નવેમ્બર 2026ની રાત્રે મધુનગર બ્રિજ પાસે અકસ્માત સર્જાયા બાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની હાલતમાં રહેલા મોઈન પઠાણે આસપાસ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ દરમિયાન લોકટોળા દ્વારા તેની સાથે ઝપાઝપી અને મારપીટ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો
PI લાઠીયાએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આક્ષેપો કર્યા છે તેનો અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના તમામ આક્ષેપોમાં કોઈ જ તથ્ય નથી. ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો હોવાથી પોલીસ આ મામલે કોર્ટ સમક્ષ કાયદેસરની રજૂઆત કરશે.
બીજી બાજુ ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ તે રાત્રે મોઈન પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી સંતોષકારક મદદ ન મળતા ઝોન-1ના DCPનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી હતી. સયાજી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન યુવક દારૂના નશામાં હોવાનું અને તેને લોકટોળા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આખરે ન્યાયિક પ્રક્રિયા હેઠળ કોર્ટે સમગ્ર મામલે તપાસ અને ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરાવતી વખતે પોલીસ પર દબાણ લાવવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવે છે, પરંતુ પોલીસ નિષ્પક્ષ રહીને પોતાની ફરજ બજાવી રહી છે અને આગળની કાયદાકીય લડાઈ લડવામાં આવશે.
