વડોદરા: રૂ. 2 કરોડની વિદેશી કરન્સી લૂંટનો વોન્ટેડ આરોપી સૂરજ સલાટ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કર્યો કાવતરાનો પર્દાફાશ

આ લૂંટ કેસમાં વડોદરા પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપી ઝડપાઈ ગયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 07 May 2026 03:30 PM (IST)Updated: Thu, 07 May 2026 03:30 PM (IST)
vadodara-crime-branch-arrests-suraj-salat-accused-of-foreign-currency-robbery
HIGHLIGHTS
  • વારસિયા વિસ્તારમાં વિદેશી કરન્સી લૂંટ
  • વોન્ટેડ આરોપી સૂરજ સલાટ ઝડપાયો

Vadodara Crime News: વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મની એક્સચેન્જના વેપારીને નિશાન બનાવી 2 કરોડ રૂપિયાથી વધુની વિદેશી કરન્સીની લૂંટ ચલાવનાર ગેંગના વધુ એક ફરાર આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વાઘોડિયા રોડ પરથી પકડાયેલ 21 વર્ષીય આરોપી સૂરજ મનોજભાઈ સલાટ આ લૂંટના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે.

આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી લૂંટ

ગત 16 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી કારેલીબાગ સ્થિત પોતાની ગિફ્ટ શોપ બંધ કરીને વારસિયા રિંગ રોડ પરના ઘરે પહોંચ્યા હતા. ત્યારે અગાઉથી રેકી કરી રહેલા ચાર શખ્સોએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી, માર મારીને તેમની પાસે રહેલી બેગની લૂંટ કરી હતી. આ બેગમાં ભારતીય ચલણ તેમજ 19 થી વધુ દેશોની વિદેશી કરન્સી મળીને કુલ 2 કરોડથી વધુની મતા હતી.

વોન્ટેડ આરોપી સૂરજ કેવી રીતે ઝડપાયો? 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટ બાદ ફરાર થયેલો સૂરજ સલાટ વાઘોડિયા રોડ પરના વુડાના મકાનોમાં છુપાયો છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડી તેને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, સૂરજ અગાઉ પકડાયેલા આરોપી રાહુલ મારવાડીનો સંબંધી છે.

આરોપી સૂરજે જ આણંદના તેના પાંચ મિત્રો અતુલ, આકાશ, રવિ અને હિરેનને બોલાવીને આ કેસના મુખ્ય સૂત્રધાર રાહુલ અને વિનોદ મારવાડી સાથે મુલાકાત કરાવી હતી. એટલું જ નહીં, સૂરજે વેપારીના ઘર અને ઓફિસની રેકી કરવામાં પણ ગેંગને મદદ કરી હતી.

પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી

આ ચકચારી લૂંટ કેસમાં વડોદરા પોલીસે અત્યાર સુધીમાં શનાભાઈ વાઘેલા, આકાશ દેવીપૂજક, રવિ ઠાકોર, અતુલ દેવીપૂજક, હિરેન વસાવા, રાહુલ મારવાડી અને અનિલ પરમાર સહિત કુલ 7 આરોપીઓને અગાઉ ઝડપી પાડ્યા હતા. જે પૈકી હિરેન વસાવા પાસેથી લૂંટાયેલી વિદેશી કરન્સીનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો હતો.

સૂરજ સલાટની ધરપકડ સાથે હવે આ કેસમાં કાવતરાના તમામ છેડા સ્પષ્ટ થયા છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે લૂંટનો અન્ય કોઈ હિસ્સો આરોપીઓએ ક્યાંય સંતાડ્યો છે કે કેમ.