Vadodara: વેપારીની આંખમાં મરચું નાખી લૂંટ; રોકડ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ ફરાર, એક શખ્સ ઝડપાયો

ચતુરભાઈ પાર્ક સોસાયટી નજીક બનેલા લૂંટના બનાવમાં 68 વર્ષીય વેપારીની આંખમાં મરચું નાખી રૂ. 10 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ આરોપી ફરાર થઈ ગયા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Jan 2026 10:56 AM (IST)Updated: Sat, 17 Jan 2026 10:56 AM (IST)
vadodara-chaturbhai-park-robbery-incident-accused-throw-chilli-powder-in-businessman-eyes
HIGHLIGHTS
  • વડોદરામાં 68 વર્ષીય વેપારી સાથે લૂંટનો બનાવ
  • વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી કરી લૂંટ
  • રોકડ ભરેલી બેગ લઈ ત્રણ ફરાર થયા, એક ઝડપાયો

Robbery incident with a businessman: વડોદરા શહેરના હરણી-વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટી નજીક લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે 68 વર્ષીય વેપારીને નિશાન બનાવી અજાણ્યા લૂંટારૂઓએ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થયા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

ઘરની સામે જ વેપારી સાથે થઈ લૂંટ   

પ્રાપ્ત વિગતો મુજબ, આશરે 68 વર્ષીય પીડિત લીલારામ રેવાણી વ્યવસાયે વેપારી છે, અને શહેરના સંગમ ચાર રસ્તા નજીક ગિફ્ટ શોપ ચલાવે છે. તેઓ રાત્રે પોતાની દુકાન બંધ કરીને ફોર વ્હીલર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘર આગળ ગાડી પાર્ક કરી નીચે ઉતરતા જ બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર અજાણ્યા યુવકો તેમની પાસે પહોંચી ગયા હતા. લૂંટારૂઓએ ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા.

આંખમાં મરચું નાખી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી

લીલારામભાઈ ગાડીમાંથી ઉતરતા જ એક યુવકે તેમની છાતી પર ફેટ મારી હતી, જ્યારે બીજા એક યુવકે તેમની આંખમાં મરચાની ભૂકી નાખી હતી. અચાનક હુમલાથી તેઓ બચાવ કરી શકે તે પહેલાં લૂંટારૂઓએ ગાડીમાં રાખેલી અંદાજે રૂ. 10 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે પીડિતના સંબંધી પુરુષોત્તમભાઈ પીતાંબરદાસ ટીલવાણીએ જણાવ્યું કે, “કાકાની આંખમાં મરચું પડતા તેમને ભારે તકલીફ થઈ હતી. અમે તરત જ તેમને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયા અને સાથે જ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. 

એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર થવામાં સફળ

સ્થાનિક નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, વડીલે બૂમાબૂમ કરતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતાં લૂંટારૂઓ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન એક શખ્સ ઝડપાઈ ગયો, જ્યારે તેના અન્ય સાથીદારો ભાગી છૂટ્યા હતા. ઘટનાસ્થળેથી એક નવી લાગતી એક્ટિવા મળી આવી છે. જેમાંથી નંબર પ્લેટ, પકડ અને કાગળો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

પોલીસની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પકડાયેલ શખ્સની પૂછપરછ શરૂ કરી છે, અને ફરાર લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.