વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતાઃ નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બની લોકો પાસેથી ઓનલાઈન કરોડો પડાવનાર ગઠિયો ઝબ્બે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક કુખ્યાત ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવીને વીડિયો કૉલ દ્વારા લોકોને CBI, ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગ જેવા ગંભીર કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવતો હતો. આ આરોપીએ વડોદરા અને કચ્છ સહિત અનેક જગ્યાઓ પર 2.4 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Nov 2026 05:32 PM (IST)Updated: Sun, 15 Nov 2026 05:32 PM (IST)
vadodara-crime-branch-arrests-fake-police-inspector-for-extorting-crores

Vadodara: નાગરિકોને વીડિયો કોલ દ્વારા CBI, ડ્રગ્સ અને મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો અને કરોડો રૂપિયા પડાવનાર એક કુખ્યાત ઠગને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા છેતરપિંડીના ચાર જેટલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આ આરોપીને પોલીસે વાસદ ટોલ નાકા પાસેથી દબોચી લીધો છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી ચોક્કસ બાતમી મળી હતી કે, અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ ચાલતો આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ વાસદ ટોલ નાકા પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલનું સરનામું નીલકંઠ રેસીડેન્સી, મકરપુરા, વડોદરા હોવાનું બહાર આવ્યું છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીના કરતૂતો અંગે ચોંકાવનારી વાતો સામે આવી છે. આ કુખ્યાત શખ્સે વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લાના આદિપુર અને ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોતાના ગુનાહિત નેટવર્કનું વિસ્તરણ કર્યું હતું. તે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવી નિર્દોષ નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરતો હતો અને સાયબર ફ્રોડ આચરીને તોડ કરતો હતો.

આ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અકોટા, પાણીગેટ, આદિપુર અને ગાંધીધામના ફરિયાદીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 2.4 કરોડની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી છે. હાલ આ સમગ્ર કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા માટે આરોપીને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પરિચિતોના નામે ખોલાવેલા બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદે નાણાંની હેરફેર માટે થતો

આ ગુનાહિત મોડસ ઓપરેન્ડીની વિગતવાર વાત કરીએ તો, આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત અને સંગઠિત કાવતરું રચીને આ ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી આચરવા માટે તેણે પોતાના જ પરિચિતો અને વિવિધ કંપનીઓના નામે અલગ-અલગ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ તમામ બેંક ખાતાઓનો મુખ્ય ઉપયોગ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા અને અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન કરીને લાખો-કરોડો રૂપિયા સેરવી લેવા માટે કરવામાં આવતો હતો.

ખાસ કરીને કચ્છ વિસ્તારમાં આ લોકોને શિકાર બનાવવા માટે અનોખી યુક્તિ અપનાવવામાં આવતી હતી. નાગરિકોને ફોન કરીને એવું જણાવવામાં આવતું કે તેમનું શંકાસ્પદ પાર્સલ મુંબઈના એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીઝ કરવામાં આવ્યું છે. જે બાદ વીડિયો કોલ દ્વારા નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બનીને પ્રત્યક્ષ ધમકીઓ અપાતી હતી કે તેઓ ગંભીર ડ્રગ્સ કેસ, મની લોન્ડરિંગ અને સીબીઆઈની તપાસમાં ફસાઈ ગયા છે. આ ભયના કારણે ફરિયાદીઓને વારંવાર માનસિક ત્રાસ આપીને બળજબરીપૂર્વક ઓનલાઈન માધ્યમથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.