Vadodara Civic Polls: ચૂંટણી ટાણે વાઘોડિયામાં ભાજપના બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ, જિલ્લા પ્રભારી બોલ્યા- 'પરિણામ પછી ગદ્દારોનો હિસાબ થશે'

ધારાસભ્ય જેવા લોકો તંત્ર પર હાવી થઈને લોકશાહીના લીરેલીરા ઉડાવે છે, જેના કારણે લોકસભામાં ભાજપને 250 બેઠકો જ મળી. પૈસાના જોરે પાર્ટીને હાઈજેક કરનારા સામે પગલા લેવાશેઃ નિલેશ પુરાણી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Apr 2026 03:50 PM (IST)Updated: Fri, 24 Apr 2026 03:50 PM (IST)
vadodara-civic-polls-bjp-infighting-explodes-in-waghodia-dharmendrasinh-vaghela-vs-nilesh-purani
HIGHLIGHTS
  • ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે વાઘેલાની વિરોધીઓને ચીમકી- 'ચૂંટણી પતે તેટલી જ વાર છે'
  • જિલ્લા પ્રભારીએ ધારાસભ્યનો બચાવ કર્યો, ગદ્દારો માટે ઑપરેશન ગંગાજળ શરૂ કરાશે

Vadodara Civic Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા ભાજપમાં આંતરિક જૂથબંધી અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપના નેતા નિલેશ પુરાણી સામસામે આવી જતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલની હાજરીમાં જ પક્ષના આંતરિક ડખ્ખા જાહેરમાં આવ્યા છે.

ચૂંટણી પછી તમે છો અને હું છું: ધર્મેન્દ્રસિંહ વાઘેલા

વાઘોડિયામાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આક્રમક તેવર બતાવતા વિરોધીઓને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું કે, વાઘોડિયાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ન કરતા, જે લોકો પ્રોપેગન્ડા ચલાવી રહ્યા છે તેમને મારી સ્પષ્ટ ચીમકી છે કે ચૂંટણી પૂરી થયા પછી તમે છો અને હું છું.

તેમણે વેપારીઓને પણ યાદ અપાવ્યું હતું કે, ભૂતકાળમાં તેમની દુકાનો તૂટતી મેં બચાવી છે. આથી પક્ષ વિરુદ્ધ જવાનું સાહસ ન કરતા. જો કોઈ ઉમેદવાર પાર્ટીની શિસ્ત તોડશે તો જીત્યા પછી પણ તેને ઘરે બેસાડી દેવામાં આવશે.

ધર્મેન્દ્રસિંહ 'ભૂમાફિયા' અને 'ડામર ચોર' છે: નિલેશ પુરાણી

બીજી તરફ ભાજપના નેતા નિલેશ પુરાણીએ એક વીડિયો જાહેર કરી ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા હતા. પુરાણીએ આક્ષેપ કર્યો કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડામર ચોર, ઓઈલ ચોર અને ભૂમાફિયો છે. તેઓ તંત્ર પર હાવી થઈને લોકશાહીના લીરેલીરા ઉડાવી રહ્યા છે.

આવા લોકોના કારણે જ લોકસભામાં પાર્ટીની સીટો 400ને બદલે 250 આવી છે. પૈસાના જોરે પાર્ટીને હાઈજેક કરનારાઓ સામે પક્ષ ન્યાય કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

naidunia_image

ગદ્દારો માટે 'ઓપરેશન ગંગાજળ' શરૂ થશે: ઋત્વિજ પટેલ

જિલ્લા ભાજપ પ્રભારી ઋત્વિજ પટેલે આ વિવાદમાં ધારાસભ્યનો બચાવ કરતા નિલેશ પુરાણી સહિતના વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યુ કે, દુશ્મનને માફ કરી શકાય પણ ગદ્દારને નહીં. જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તેમનો ચૂંટણી બાદ એક-એકનો હિસાબ લેવામાં આવશે.

પરિણામ આવ્યા પછી આ તમામ ગદ્દારો માટે 'ઓપરેશન ગંગાજળ' શરૂ કરી તેમને પક્ષની બહારનો રસ્તો બતાવવામાં આવશે. ઋત્વિજ પટેલે વાઘોડિયામાં શાંતિ સ્થાપવા બદલ ધર્મેન્દ્રસિંહના વખાણ પણ કર્યા હતા. ચૂંટણી પહેલા જ ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના આ વાકયુદ્ધે જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.