Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં હળવા માવઠાના રાઉન્ડ બાદ ઉનાળો તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હવામાનમાં પલટો આવવાના સંકેત આપ્યા છે.
મતદાનના દિવસે મહત્તમ તાપમાન 45 ડિગ્રીની પાર પહોંચી શકે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતમાં સરેરાશ તાપમાન 42 થી 44 ડિગ્રીની રેન્જમાં પહોંચી ગયું છે. જો કે આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે તે દિવસે ઉનાળાનું સૌથી ઊંચુ તાપમાન જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું નથી, પરંતુ મતદાનના દિવસે પારો 45 ડિગ્રી કે તેથી વધુ રહે તેવી પુરી શક્યતા છે.
29 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે
હવામાન નિષ્ણાંતે આકરી ગરમીની વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, અત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. હવે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.
જો ગુજરાતની વાત કરીએ તો, આગામી 29 એપ્રિલથી 5 મે દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. આ સપ્તાહ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાનમાં પલટાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ અસર સામાન્ય જોવા મળશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વરસાદી ઝાપટાને માવઠું ગણવાના બદલે પ્રી-મોન્સૂન એક્ટિવિટી ગણવી જોઈએ. આથી ખેડૂતોએ હવામાનમાં પલટાની ખાસ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ઝાપટા એકદમ સામાન્ય હશે. જેની ખેતી પર નુકસાન થવાની સંભાવના નહીવત છે.
