Vadodara Crime News: છેલ્લા કેટલાક સમયથી શાંત રહેલી સંસ્કારી નગરી વડોદરા શહેરની કુખ્યાત 'બિચ્છુ ગેંગ' ફરી એક વાર સક્રિય થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગુજસીટોક (GUJCTOC) જેવા અતિ ગંભીર ગુના હેઠળ જેલની સજા કાપી રહેલો બિચ્છુ ગેંગનો સાગરીત અશફાક શેખ જેલમાંથી મુક્ત થતાં જ ફરીથી રક્તપાત પર ઉતરી આવ્યો છે.
જામીન પર મુક્ત થયેલ અશફાકનો આતંક
તાજેતરમાં જ જેલમાંથી જામીન પર મુક્ત થયેલા અશફાક શેખે બહાર આવતાની સાથે જ પોતાની જૂની ગેંગના સભ્યોને એકઠા કરીને ફરી આતંક ફેલાવવાનું શરૂ કર્યું છે. શહેરના સંવેદનશીલ ગણાતા યાકુતપુરા વિસ્તારમાં રહેતા સૈયદ બંધુઓ સાથે અશફાકને લાંબા સમયથી જૂની અદાવત ચાલતી હતી.
ઘાતક હથિયારોથી હુમલો, બે ઈજાગ્રસ્ત
જૂની અદાવતનો બદલો લેવા ગત મોડી રાત્રે અશફાક અને તેની ગેંગે સૈયદ બંધુઓને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: વડોદરાના GSFC બ્રિજ પર ત્રિપલ અકસ્માતઃ ટ્રક અને ટ્રેલર વચ્ચે ઑટો રિક્ષાનો કચ્ચરઘાણ, 2ના મોત
કુખ્યાત બિચ્છુ ગેંગ સામે પોલીસ કાર્યવાહી
આ સરાજાહેર જીવલેણ હુમલાને પગલે યાકુતપુરા સહિતના સ્થાનિક વિસ્તારના રહીશો વચ્ચે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં જ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શહેરના સંભવિત ઠેકાણા પર દરોડા પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ હુમલાખોરોની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. જોકે, ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હોય તેવા રીઢા ગુનેગાર છૂટીને ફરીથી આતંક મચાવે ત્યારે પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે લોકોની નજર એ વાત પર છે કે પોલીસ કુખ્યાત બિચ્છુ ગેંગના આતંકને કાયમી ધોરણે ડામવા માટે કેવા કડક પગલાં ભરે છે.
