વડોદરાના GSFC બ્રિજ પર ત્રિપલ અકસ્માતઃ ટ્રક અને ટ્રેલર વચ્ચે ચગદાયેલી ઑટો રિક્ષાનો કચ્ચરઘાણ, 2ના મોત

ટ્રકે અચાનક બ્રેક મારતા મુસાફરોથી ભરેલી રિક્ષા ધડાકાભેર ભટકાઈ. આજ સમયે પાછળ રહેલ ટ્રેલર પણ ઘુસી જતાં રિક્ષાનું પડિકું વળી ગયું. ક્રેઈનની મદદથી ત્રણેય વાહનોને છૂટા કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 06 Apr 2026 11:12 PM (IST)Updated: Mon, 06 Apr 2026 11:12 PM (IST)
vadodara-triple-accident-2-dead-as-auto-rickshaw-crushed-between-truck-and-trailer-on-gsfc-bridge
HIGHLIGHTS
  • ગંભીર રીતે 3 ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે લઈ જવાયા
  • અકસ્માતના પગલે બ્રિજ તેમજ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

Vadodara: વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા GSFC બ્રિજ પર એક કાળજું કંપાવનારા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે તોતિંગ માલવાહક વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા કચડાઈ જતાં સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે રિક્ષામાં સવાર 3 મુસાફરો ગંભીર ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, 5 મુસાફરોને લઈને જતી ઑટો રિક્ષા GSFC બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી રિક્ષા ઘુસી ગઈ હતી. આ સમયે પાછળ રહેલ ટ્રેલર પણ ધડાકાભેર રિક્ષામાં ઘુસી ગયો હતો. આમ બે ભારે વાહનો વચ્ચે રિક્ષા સેન્ડવિચ બની ગઈ હતી.

આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેના પગલે હાઈવે અને બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષાનું પડીકું વળી ગયું હતુ. પોલીસે ક્રેઈનની મદદથી ત્રણે વાહનોને છૂટા પાડીને રોડ ખુલ્લો કરાવ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુકેશ અને ભાઈલાલ નામના બે વ્યક્તિઓનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિસ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.