Vadodara: વડોદરામાં માંતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરના અટલ બ્રિજ પર સર્જાયો છે. જેમાં ડમ્પરની અડફેટે મોપેડ સવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી હેતવી માંડગે પોતાનું મોપેડ લઈને અટલ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પુરપાટ આવેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા હેતવી હવામાં ફંગોળાઈને નીચે પટકાઈ હતી. આ સાથે જ ડમ્પરના પાછળના તોતિંગ ટાયર હેતવીના શરીર પરથી ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.
બીજી તરફ આ બાબતની જાણ થતાં ગોરવા પોલીસની ટીમ તેમજ મૃતકના પરિવારજનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યાં દીકરીના મૃતદેહને જોઈને પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતુ. હાલ તો પોલીસે પંચનામાની કાર્યવાહી કરીને હેતવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળની નંબર પ્લેટ પણ નહતી. જ્યારે અકસ્માત બાદ ડમ્પરનો માલિક શંભુ ભરવાડ સામે ચાલીને પોલીસ મથકે પહોંચી ગયો હતો. જે બાદ ગોરવા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ડમ્પરના ડ્રાઈવર દિવ્યેશ ચૌહાણની ધરપકડ કરીને વાહનને કબજે લીધુ છે.
