ગુજરાતમાં ધમધમતું સોનાની દાણચોરીનું નેટવર્ક: એરપોર્ટ પર એન્ટ્રીથી લઈ સોનું ઓગાળવા સુધી... કેવી રીતે થતું સ્મગલિંગ?

DRI દ્વારા સુરતથી ₹20 કરોડના સોનાના દસ્તાવેજી પુરાવા જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 03:20 PM (IST)Updated: Tue, 20 Oct 2026 03:20 PM (IST)
gujarat-gold-smuggling-racket-dri-surat-ahmedabad-airport-gold-seizure
AI Generated Image

Gujarat Gold Smuggling Racket: ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ચાલતી સોનાની ગેરકાયદેસર તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આશરે ₹19.41 કરોડની કિંમતના 13.017 કિલો સોના સાથે જોડાયેલા પુરાવા જપ્ત કરી અને કસ્ટમ એક્ટ, 1962 હેઠળ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે, DRI અધિકારીઓએ 16 ઓક્ટોબરથી સતત 42 કલાક સુધી સંયુક્ત દરોડા પાડીને હવાઈ મુસાફરો, હેન્ડલર, મધ્યસ્થીઓ, વડોદરામાં ગેરકાયદેસર સોનું ઓગાળવાના કેન્દ્ર અને અમદાવાદની એક જ્વેલરી શોપના સમગ્ર નેટવર્કને ખુલ્લું પાડ્યું હતું. આ ઓપરેશનમાં આશરે 890 ગ્રામ સોનું અને 6.41 કિલોગ્રામ ગેરકાયદે ઓગાળેલા સોના સાથે જોડાયેલા પુરાવા મળી આવ્યા હતા. 

એરપોર્ટ પર કેવી રીતે થતી હતી સોનાની તસ્કરી?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સોનાની તસ્કરી માટે રોડિયમ-કોટેડ ગોલ્ડ વાયર, ટ્રોલી બેગના અસ્તરમાં સોનું છુપાવવું અને બેગમાં ગોલ્ડ પેસ્ટ જેવી ગુપ્ત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. એરપોર્ટ પર પહોંચ્યા પછી મુસાફરો સોનું હેન્ડલર્સને સોંપતા, જેઓ મધ્યસ્થીઓ મારફતે તેને વડોદરા સ્થિત મેલ્ટીંગ ફેસિલિટીમાં મોકલતા હતા. ઓગાળેલું સોનું રોકડ વેચાણ માટે અમદાવાદની જ્વેલરી શોપમાં સપ્લાય કરવામાં આવતું હતું.

આ ઉપરાંત, અમદાવાદની જ્વેલરી શોપમાંપાડેલા દરોડા દરમિયાન બિનહિસાબી વિદેશી સોનાના બિસ્કિટ તથા 5.8 કિલોગ્રામ સ્મગલિંગના સોનાના વ્યવહારોના ચોપડા પણ રિકવર કરવામાં આવ્યા હતા. તપાસકર્તાઓએ સિન્ડિકેટના મુખ્ય ફાઇનાન્સર સાથે જોડાયેલી એક અલગ ચેનલ પણ શોધી કાઢી છે, જે દુબઈ સ્થિત હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં હેન્ડલર-ફાઇનાન્સર, વડોદરાના મેલ્ટીંગ સેન્ટરના ઓપરેટર અને અન્ય મુખ્ય વ્યક્તિની ઓળખ કરી લીધી છે. આ તપાસમાં વિદેશી સોનાની તસ્કરી અને તેનો નિકાલ કરવામાં મુસાફરો, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ તથા સોની વેપારીઓની ભૂમિકા ખુલ્લી પડી છે અને વધુ તપાસ ચાલુ છે.

અમદાવાદ એરપોર્ટ પર સોના સાથે મુસાફર ઝડપાયો

આ ઉપરાંત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી ₹20.1 લાખની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા ટાર્ગેટેડ પ્રોફાઈલિંગ અને સર્વેલન્સના આધારે મુસાફરને અટકાવી તેની ટ્રોલી બેગની તપાસ કરતા અંદરથી એક કપડાનું શંકાસ્પદ પેચ મળી આવ્યું હતું.

કસ્ટમ વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આ કપડાના પેચ પર ગોલ્ડ પેસ્ટનું પડ ચડાવી સોનું છુપાવવામાં આવ્યું હતું. આ મટિરિયલમાંથી સોનું ખેંચીને ઓગાળ્યા બાદ 133.4 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું રિકવર કરી જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે ઉત્તર પ્રદેશના 29 વર્ષીય મુસાફરની અટકાયત કરી અને કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.