Rajkot: બિલિયાળા પાસે લોહીથી લથપથ યુવકની લાશ મળી, પત્ની સાથે વીડિયો કૉલ પર વાતચીત બાદ ફોન બંધ થઈ ગયો હતો

ગોંડલના ધારેશ્વર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય પ્રતિક સોદરવાનો મૃતદેહ બિલિયાળા ગામ પાસે મળી આવ્યો છે. માથામાં ગંભીર ઇજાઓ હોવાથી પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને પોલીસ તપાસ ચાલુ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Oct 2026 07:38 PM (IST)Updated: Tue, 20 Oct 2026 07:38 PM (IST)
rajkot-news-youth-found-dead-near-biliyala-with-injury-marks-after-video-call-with-wife

Rajkot: ગોંડલના ભગવત પરા વિસ્તારમાં આવેલી ધારેશ્વર સોસાયટીમાં રહેતા 28 વર્ષના આશાસ્પદ યુવાનનો મૃતદેહ બિલિયાળા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની ઓળખ પ્રતિક કિશોરભાઈ સોદરવા તરીકે થઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પ્રતિક ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરેથી ’હું કામ માટે બહાર જાઉં છું’ તેમ કહીને નીકળ્યો હતો. જે બાદ મોડે સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. સાંજના આશરે સાતેક વાગ્યે પ્રતીકની પત્ની કાજલબેને તેમને વીડિયો કોલ કર્યો હતો અને પૂછ્યું હતું કે ’તમે ક્યારે ઘરે આવો છો? આપણે સાથે જમવા બેસીએ.’ ત્યારે પ્રતીકે વળતો જવાબ આપ્યો હતો કે ’હું બસ 10 મિનિટમાં જ ઘરે આવું છું.’ આ છેલ્લી વાતચીત બાદ પ્રતીકનો સંપર્ક તૂટી ગયો હતો અને તેનો ફોન બંધ આવવા લાગ્યો હતો.

પત્ની સાથે વાત થયા બાદ લાંબો સમય વિતવા છતાં પ્રતીક ઘરે ન પહોંચતા અને તેનો ફોન પણ ન લાગતા ગભરાયેલો પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈ યુવાનના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકેશન ટ્રેસ કરતા પ્રતીકનું અંતિમ લોકેશન બિલિયાળા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકનું મળી આવ્યું હતું. પોલીસ અને પરિવારજનો જ્યારે તે સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંથી પ્રતીકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મૃતક યુવાનના માથાના ભાગે તીક્ષ્ણ અથવા ભારે હથિયારના ઇજાના ગંભીર નિશાન મળી આવ્યા હોવાથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ ક્રૂર હત્યા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં યુવાનના મૃતદેહને ઊંડાણપૂર્વકની તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાને પગલે સોદરવા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃતક પ્રતીક પોતાના બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી મોટો ભાઈ હતો, જેના શિરે પરિવારની મોટી જવાબદારી હતી. પ્રતીકના લગ્ન કાજલબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક નાનો દીકરો પણ છે, જેને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

પ્રતીકના પિતા કિશોરભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવિંગનું કામ કરે છે, જ્યારે પ્રતીક પોતે સ્થાનિક પરફેક્ટ રિસોર્ટમાં મેન પાવર સપ્લાયનું કામકાજ સંભાળીને પિતાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ઘરના કમાતા અને મોટા દીકરાની આ રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પત્ની, સંતાન અને વૃદ્ધ માતા-પિતા સહિતના પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને હત્યાના આક્ષેપોને આધારે કાયદેસરની તપાસ શરૂ કરી છે.