Rajkot: શહેરના કોઠારીયા રોડ પર આવેલ સોરઠીયાવાડી સર્કલ નજીકની સોસાયટીમાં અપરિણીત યુવતીએ અંતિમ ચિઠ્ઠિ લખી ગળેફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી નિલકમલ સોસાયટીમાં રહેતી ખુશ્બુ બેલીમ (33)એ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગઇકાલે બપોર બાદ બનેલી આ ઘટનાથી પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા.
પરિવારજનોને જાણ થતાં જ તાત્કાલિક દુપટ્ટો કાપીને બેભાન હાલતમાં યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ હોસ્પિટલ ખાતે તેણીનું દુ:ખદ અવસાન થયું હતું.
આ બનાવની જાણ થતાં જ હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જ કે. જે. પરમારે ભક્તિનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષી સહિતનો પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક ખુશ્બુબેન બે ભાઈઓની એકની એક વચેટ બહેન હતી અને અપરિણીત જીવન વિતાવી રહી હતી.
પોલીસ તપાસ દરમિયાન યુવતીએ આપઘાત કરતા પહેલા લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેણીએ ટૂંકા શબ્દોમાં પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે,હું મારા મમ્મી-પપ્પાને બેપનાહ મહોબ્બત કરું છું, મમ્મી-પપ્પા તમારું ધ્યાન રાખજો.
ઘરના મોભીઓ અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, ખુશ્બુબેને આત્યંતિક પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને પરિવારજનો પણ અજાણ છે. એકની એક દીકરીના આ અચાનક વિદાયથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ચોટીલાના રાજપરા ગામની વાડીમાં મધમાખીના ઝૂંડે ડંખ મારતા વૃદ્ધાનું મોત
રાજપરા ગામની સીમમાં આવેલી વાડીમાં ચોથીબેન વીરજીભાઈ રોજાસરા (70) કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ઝુંડે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓએ મોટી સંખ્યામાં ડંખ મારતાં તેમની તબિયત લથડી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે હજુ પણ મધપૂડો હોવાનું જાણવા મળે છે અને મધમાખીઓનો ત્રાસ યથાવત્ રહેતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ અવરજવર કરતા લોકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને વાડી અને ખેતરોમાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરો તથા ગ્રામ્ય માર્ગો પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મધમાખીઓના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. મધપૂડાની આસપાસ મધમાખીઓની સતત અવરજવર રહેતી હોય તો નજીકમાં કામ કરતા લોકો પર ફરી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
